SURAT

વિદેશથી છોકરીઓ લાવી મહારાષ્ટ્રના પુણેમાં દેહવ્યાપાર: સુરતના ઈચ્છાપોરથી ઝડપાયો દલાલ

સુરત: મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે ખાતે મહારાષ્ટ્ર સંગઠીત ગુન્હેગારી નિયંત્રણ અધિનીયમ (મકોકા)ના ગુનામાં ચાર વર્ષથી વોન્ડેટ (Wanted) શીવાને સુરત ક્રાઈમ બ્રાંચે (Surat crime branch) ઇચ્છાપોરથી ઝડપી પાડ્યો હતો. શીવા વિદેશી છોકરીઓ (foreigner girls)ને લાવી દેહવ્યાપાર (prostitution) કરાવતો હતો. શીવા સુરતમાં કાયમી સ્થાયી થવા માટે આવ્યાના દસ જ દિવસમાં ઝડપાઈ ગયો હતો.

ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે સુરત ઇચ્છાપોર ભાટપોરગામ કાસા રિવા હોટલ પાસેથી શીવા રામકુમાર ચૌધરી (ઉ.વ.37, રહે. માનસરોવર વિજયપથ રોડ જયપુર, રાજસ્થાન તથા મુળ રહે. હર્મસ ડ્રોમ, રૂમ નં -૦૧, ઈ – બિલ્ડીંગ વિમાનનગર, પુણે, મહારાષ્ટ્ર તથા મુળ નેપાળ)ને પકડી પાડ્યો હતો. શીવા મહારાષ્ટ્ર રાજ્યના પુણે સીટીના મેરવાડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017થી વોન્ટેડ હતો. શીવાની સામે ઇમમોરલ એન્ડ ટ્રાફિકિંગ એક્ટની કલમ તથા મહારાષ્ટ્ર સંગઠિત ગુન્હેગારી નિયંત્રણ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. પુણે પોલીસે 24 આરોપીઓની સામે આ ગુનો દાખલ કર્યો હતો.

મુખ્ય ગેંગ લીડર કૃષ્ણાસીંગ સુરેન્દ્રસીંગ તેમજ તેના એજન્ટો (સહઆરોપીઓ) સાથે મળી રશિયા, ઉઝબેકિસ્તાન, દિલ્લી, નેપાળ તેમજ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી છોકરીઓ લાવી તેમને દેહવ્યાપારના ધંધામાં ધકેલતા હતા. અલગ અલગ વેબસાઈટ ઉપર ઈન્ટરનેટના માધ્યમથી ગ્રુપમાં છોકરીઓના ફોટા મુકી તેમની પાસે બળજબરી પુર્વક દેહવ્યપાર કરાવતા અને ગ્રાહકો પાસેથી રૂપિયા આરોપીઓ લઈ લેતા હતા. હાલ પકડાયેલો શીવા એજન્ટ તરીકે બહારથી છોકરીઓ લાવી તેને દેહવ્યપાર કરાવડાવતો હતો. શીવાની સામે ગુનો દાખલ થયા બાદ તે નેપાળ ભાગી ગયો હતો. બે વર્ષ ત્યાં રહ્યા બાદ દિલ્લી અને જયપુરમાં રહેતો હતો. હાલ છેલ્લા 10 દિવસથી સુરતમાં રહેવા માટે આવ્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો હતો.

વેસુમાં નેપાળી છોકરીઓ લાવી ધંધો શરૂ કર્યો હતો

શીવા તેની પત્ની સાથે દસ દિવસ પહેલા સુરત કાયમી સ્થાયી થવા માટે આવ્યો હતો. તેના મિત્રના સંપર્ક થકી તે સુરતમાં રૂમ શોધતો હતો. દરમિયાન તેને વેસુમાં પણ નેપાળી છોકરીઓને લાવી એક રૂમ રાખ્યો હતો. જ્યાં તે દેહવેપારનો ધંધો શરૂ કર્યો હતો. સુરતમાં મનોજ નામના દલાલની સાથે રહીને તેણે બધી ગોઠવણ કરી હતી. પરંતુ દસ જ દિવસમાં તે ઝડપાઈ ગયો હતો.

Most Popular

To Top