થાણે, મુંબઈ: થાણેમાં રહેતા એક 44 વર્ષીય ખાનગી કંપનીના કર્મચારી સાથે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવવાના બહાને મોટી છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ બનાવમાં બનાવટી ઑનલાઇન પ્લેટફોર્મ મારફતે આરોપીઓએ તેમને કુલ 63.90 લાખ રૂપિયા પડાવ્યા હતા. ફરિયાદ મુજબ, બે મહિના પહેલા એક અજાણી મહિલાએ કર્મચારીનો સંપર્ક કર્યો હતો. મહિલાએ પોતાને જાણીતા ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મની પ્રતિનિધિ તરીકે ઓળખ આપી હતી અને રોકાણ પર ખૂબ જ આકર્ષક અને ઝડપી વળતર આપવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં વિશ્વાસ બેસે તે માટે તેને ઑનલાઇન એક પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવવામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પછી કસ્ટમર કેર તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ વિવિધ બેંક ખાતાની માહિતી આપી અને તેમાં રકમ જમા કરાવવા જણાવ્યું હતું. ફરિયાદીએ કુલ 13 ટ્રાન્ઝેક્શન મારફતે અલગ-અલગ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. શરૂઆતમાં વધુ નફો થતો હોવાનો દેખાડો કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે ફરિયાદીએ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ પ્લેટફોર્મ અને સંપર્ક કરનારાઓ બંને ગાયબ થઈ ગયા હતા. પોતે છેતરાયા હોવાની ખાતરી થતાં કર્મચારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2) અને 318 તેમ જ ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ નાગરિકોને અજાણ્યા ઑનલાઇન રોકાણ ઑફરથી સાવચેત રહેવાની અપીલ પણ કરી છે.