World

66માં જન્મદિવસે જ Prince Andrewની ધરપકડ: યુકેમાં ‘મિસકોન્ડક્ટ’ મામલે મોટો વળાંક

યુનાઇટેડ કિંગડમમાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા વચ્ચે ભૂતપૂર્વ રાજકુમાર Prince Andrewને પોલીસે તેમના 66માં જન્મદિનના દિવસે જ ‘મિસકોન્ડક્ટ ઇન પબ્લિક ઓફિસ’ની શંકા હેઠળ ગઈકાલે તેમની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી તેમની વિવાદાસ્પદ સંબંધો અને ખાસ કરીને Jeffrey Epstein સાથે જોડાયેલા દસ્તાવેજોની નવી વિગતો સામે આવ્યા બાદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રો અનુસાર, અધિકારીઓએ તેમના નિવાસસ્થાને પહોંચી કાયદાકીય પ્રક્રિયા મુજબ તેમને કસ્ટડીમાં લીધા હતા. પૂછપરછ માટે તેમને ઘણા કલાકો સુધી રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને તેમને શરતી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ તપાસ હજી ચાલુ છે અને વધુ પૂછપરછની શક્યતા નકારી શકાય તેવી નથી.

આ કેસમાં મુખ્ય મુદ્દો એ છે કે જાહેર પદ પર રહીને સત્તાનો દુરુપયોગ થયો કે નહીં તેની તપાસ ચાલી રહી છે. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે શું સંવેદનશીલ અથવા સત્તાવાર માહિતીનો ગેરઉપયોગ થયો હતો. જોકે, પોલીસ અથવા તપાસ એજન્સીઓએ હજુ સુધી કોઈ સત્તાવાર આરોપપત્ર દાખલ કર્યું નથી. આ ઘટનાને પગલે બ્રિટિશ રાજપરિવાર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. રાજકીય વર્તુળોમાંથી પણ પ્રતિસાદ મળ્યો છે કે કાયદા સામે દરેક વ્યક્તિ સમાન છે અને તપાસને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે. રાજપરિવાર તરફથી સંક્ષિપ્ત પ્રતિક્રિયામાં કહેવાયું છે કે કાયદો પોતાનું કામ કરશે અને યોગ્ય પ્રક્રિયાને પૂર્ણ સહયોગ આપવામાં આવશે.

Prince Andrewનું નામ અગાઉ પણ Jeffrey Epstein સાથેના સંબંધોને કારણે વિવાદોમાં આવ્યું હતું. અગાઉના વર્ષોમાં પણ તેમના પર આક્ષેપો લાગ્યા હતા, જેને લઈને તેમણે જાહેર જીવનમાંથી ઘણી હદ સુધી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. હાલની ધરપકડ એ જ પ્રકરણ સાથે જોડાયેલી નવી કડી તરીકે જોવામાં આવી રહી છે. આ સમગ્ર મામલો યુકે સહિત વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે સૌની નજર તપાસના આગામી પગલાં પર છે. જો પૂરતા પુરાવા મળે તો કાયદાકીય કાર્યવાહી આગળ વધી શકે છે. હાલ આ કેસની તપાસ ચાલુ છે, અને વધુ ઓફિશયલ વિગતો બહાર આવવાની રાહ જોવામાં આવી રહી છે.

Most Popular

To Top