ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે, ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના ઔદ્યોગિક, સાંસ્કૃતિક અને આંતરમાળખાકીય વિકાસને વેગ આપતા ₹૨૦,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્ર સરકારના ઊર્જા, રેલવે અને માર્ગ પરિવહન મંત્રાલય હેઠળના મહત્ત્વના પ્રોજેક્ટ્સ ખુલ્લા મુકવામાં આવશે. ગ્રામીણ વિકાસને વેગ આપતા પીએમ નરેન્દ્ર મોદી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’ અંતર્ગત રાજ્યના ૩૪ જિલ્લાઓમાં નવનિર્મિત ૩૮,૯૪૯ આવાસોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ કરાવશે. આ સિવાય જળ સંસાધન, આરોગ્ય, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના અનેક જનહિતલક્ષી કાર્યોની ભેટ પણ રાજ્યને મળશે.
ગાંધીનગરમાં કોબા : જૈન વારસાનું પ્રદર્શન – ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’
મહાવીર જયંતિના પવિત્ર અવસરે વડાપ્રધાન ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું ઉદ્ઘાટન કરશે.
- વિશેષતા: સાત ગેલેરીઓમાં વિભાજિત આ સંગ્રહાલયમાં ૨૦૦૦થી વધુ દુર્લભ જૈન કલાકૃતિઓ, પ્રાચીન હસ્તપ્રતો અને શિલ્પો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
- આધુનિકતા: પરંપરાગત પ્રદર્શનોની સાથે અહીં ડિજિટલ અને ઓડિયો-વિઝ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મુલાકાતીઓને જૈન ધર્મના ઇતિહાસની ઊંડી સમજ આપશે.
સાણંદ GIDCમાં ‘કેન્સ સેમિકોન પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કરશે
બીજી સુવિધા: માઇક્રોન બાદ ભારતમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરનારી આ બીજી સેમિકન્ડક્ટર સુવિધા હશે.
ઉત્પાદન : અહીં એડવાન્સ્ડ ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (IPMs)નું ઉત્પાદન થશે, જે ઓટોમોટિવ અને ઇન્ડસ્ટ્રિયલ એપ્લિકેશન્સમાં વપરાય છે. પ્લાન્ટ પૂર્ણ થતાં તેની ક્ષમતા દરરોજ ૬.૩૩ મિલિયન યુનિટ સુધી પહોંચશે.
રોડ, હાઈવે, ઊર્જા. રેલવે સહિતના વિકાસ પ્રોજેકટ
વડાપ્રધાન વાવ-થરાદ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધશે અને અનેક મોટા પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે:
રોડ અને હાઇવે: ₹૫,૧૦૦ કરોડના ખર્ચે બનેલા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન થશે. સાથે જ ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર નવા ફ્લાયઓવરનું લોકાર્પણ કરાશે.
ઊર્જા ક્ષેત્ર: ₹૩,૬૫૦ કરોડના ખર્ચે ખાવડા પૂલિંગ સ્ટેશન-૨ અને ટ્રાન્સમિશન સિસ્ટમનું ઉદ્ઘાટન, જે ૪.૫ GW રિન્યુએબલ એનર્જીના વહન માટે સક્ષમ છે.
રેલવે: કનાલાસ-જામનગર ડબલિંગ પ્રોજેક્ટ અને હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ. વડાપ્રધાન ખેડબ્રહ્મા-અસારવા ટ્રેનને લીલી ઝંડી આપશે.
જળ વ્યવસ્થાપન: બનાસકાંઠા અને પાટણ માટે કસારા-દાંતીવાડા અને ડિંડ્રોલ-મુક્તેશ્વર પાઇપલાઇન પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરાશે.
શહેરી અને આરોગ્ય વિકાસ: રાજ્યભરમાં ₹૫,૩૦૦ કરોડના ૪૪ શહેરી પ્રોજેક્ટ્સ તેમજ અમદાવાદ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ‘રેન બસેરા’ (આશ્રયસ્થાન)નું ઉદ્ઘાટન.
પ્રવાસન: પાટણની રાણકી વાવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો અને વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે વોટર સ્ક્રીન પ્રોજેક્શન શોનું લોકાર્પણ.
અમદાવાદ મનપાના કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
મહત્ત્વપૂર્ણ ખાતમુહૂર્ત પ્રકલ્પોમાં ₹1061.43 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ (એસ.પી. રિંગ રોડથી નરોડા-વટવા ફેઝ-2), ₹467 કરોડના ખર્ચે BRTS અને AMTS માટે ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ અને ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ, ₹255.35 કરોડના ખર્ચે નરોડાથી નારોલ સર્કલ સુધી 14 કિ.મી. માર્ગ વિકાસ પ્રોજેક્ટ તેમજ ₹105.02 કરોડના ખર્ચે એલિસબ્રિજ વિસ્તારમાં ઈન્ટિગ્રેટેડ ગ્રુપ હાઉસિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ સિવાય દરિયાપુર, વટવા, નરોડા, દસક્રોઈ, નારણપુરા, સાબરમતી, ઘાટલોડિયા અને ગાંધીનગર દક્ષિણ જેવા વિસ્તારોમાં હાઉસિંગ, ડ્રેનેજ, પાણી પુરવઠા, બ્રિજ અને રોડ પ્રોજેક્ટ સહિતના વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. આ તમામ પ્રકલ્પો અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે અને શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.