ગાંધીનગર: વડાપ્રધાન મોદી (PM Modi) આજથી વતનના પ્રવાસે છે. તેઓ ગુજરાતમાં (Gujarat) વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. તેમણે બે દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત આજે સવારે બનાસકાંઠા (Banaskantha) પહોંચી અંબાજીના દર્શન કરીને કરી છે. તેમણે કહ્યું કે આજે અને કાલનો દિવસ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. આજે એટલે કે 30મી ઓક્ટોબરે ગોવિંદ ગુરુજીએ આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. તેમણે અંગ્રેજો સામે સખત લડત આપી હતી. તેમજ 31મી ઓક્ટોબર આપણા માટે ખાસ છે કારણ કે કાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે.
આ દરમિયાન વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને (Saradar vallabhbhai patel) શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને યુવાનોના દેશવ્યાપી સંગઠન ‘મેરા યુવા ભારત’ની (Mera Yuva Bharat) શરૂઆત કરશે. બે દિવસના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતના મહેસાણાની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ અનેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. જેમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં બે રેલ્વે પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો. જેમાં 77 કિલોમીટર લાંબો વેસ્ટર્ન ગુડ્સ કોરિડોર સેક્શન અને વિરમગામથી સામખીયાળી સુધીની 182 કિલોમીટર લાંબી રેલ્વે લાઇનનો સમાવેશ થાય છે.
મહેસાણામાં પીએમ મોદીએ કહ્યું, ‘અહી આવતા પહેલા મને અંબાજી મંદિરમાં જવાનો મોકો મળ્યો હતો. ‘ગબ્બર’ (અંબાજી ગામની પશ્ચિમે એક નાની ટેકરી) વિકસાવવામાં આવી રહી છે. ગઈ કાલે મન કી બાતમાં તેના વિશે વાત કરી હતી. તેમજ આજે રૂ. 6000 કરોડના વિકાસ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ખેડૂતોને મજબૂત બનાવશે. તેનાથી સમગ્ર દેશ સાથે કનેક્ટિવિટી સર્જાશે. મહેસાણાની આસપાસના તમામ જિલ્લાઓને આ પ્રોજેક્ટ્સનો લાભ મળશે.
હવે, વડાપ્રધાન મોદી પ્રવાસ સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે
મળતી માહિતી મુજબ હવે વડાપ્રધાન મોદી એકતા નગરમાં વિકાસ પરિયોજનાઓ અને પ્રવાસન સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે. જેમાં 30 ઈ-બસ, સાર્વજનિક બાઇક-શેરિંગ પ્રોગ્રામ, ગુજરાત ગેસ લિ. તરફથી બનાવવામાં આવેલ સિટી ગેસનું વિતરણ તેમજ એકતા નગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે પરિવહનને સુવ્યવસ્થિત કરવા માટે ગોલ્ફ કાર્ટ સમાવેશ થાય છે. આ ઉપરાંત વડાપ્રધાન 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને પણ સંબોધિત કરશે.