Gujarat

વડાપ્રધાન મોદીએ પોતાનો ગાંધીનગરનો પ્લોટ દાનમાં આપ્યો, આ કાર્ય માટે વપરાશે જમીન

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ગુજરાતના ગાંધીનગરમાં (Gandhinagar) સ્થિત તેમનો એક પ્લોટ દાનમાં (Donation) આપ્યો છે. જમીનના આ ટુકડા ઉપર નાદ બ્રહ્મ (Naad Brahma) કલા કેન્દ્રનું બાંધકામ કરવામાં આવશે. જે ભવિષ્યમાં સંગીત કળાના જ્ઞાનનું અનોખું કેન્દ્ર બનશે. તેના નિર્માણનો હેતુ પણ ખૂબ ખાસ છે. આ કેન્દ્રમાં ભારતીય સંગીત કળાનું જ્ઞાન એક જ છત નીચે કરાવવામાં આવશે.

ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળી રહે તેવા ઉમદા હેતુથી ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાનો પ્લોટ દાનમાં આપ્યો છે. જેની ઉપર ગાંધીનગરમાં મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેકટર 1 ખાતે ભવ્યાતિભવ્ય ‘નાદ બ્રહ્મ‘ કલા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે. તેમજ આ પ્રોજેક્ટ ખાતમુહૂર્ત આજરોજ તારીખ 3 માર્ચના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપા પ્રદેશના અધ્યક્ષ સી. આર. પાટીલ હસ્તે કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરના સેક્ટર-1માં મનમંદિર ફાઉન્ડેશન દ્વારા આજે બુધવારે ‘નાદ બ્રહ્મ’ કલા કેન્દ્રનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો. નાદ બ્રહ્મ કલા કેન્દ્રની ડિઝાઇન પણ અદ્ભુત છે. તેમજ બિલ્ડિંગમાં વીણા આકારની જગ્યા આપવામાં આવી છે.

બિલ્ડિંગમાં 16 ફ્લોર હશે
આ પહેલનો ઉદ્દેશ્ય 16 માળનું નાદ બ્રહ્મ ભવન બનાવવાનો છે. જે ગાંધીનગરને ભારતીય સંગીત કલા ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવશે. નાદ બ્રહ્મ કલા કેન્દ્રમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. તેમજ અહીં 12 થી વધુ વર્ગો હશે જ્યાં લોકો સંગીત અને નૃત્ય શીખી શકશે. અહીં એક મોટું થિયેટર હશે, જેમાં 200 લોકોની ક્ષમતા હશે. આવા 5 સ્ટુડિયો બનાવવામાં આવશે જેમાં અભ્યાસની સાથે પ્રેક્ટિસ પણ કરી શકાશે. આ સાથે જ નાદબ્રહ્મમાં ઓપન થિયેટર હશે.

આધુનિક પુસ્તકાલય અને આઉટડોર મ્યુઝિક પાર્ક પણ હશે
દિવ્યાંગો માટે પણ અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં આધુનિક પુસ્તકાલય હશે. એક મ્યુઝિયમ હશે જેમાં સંગીતનો ઈતિહાસ પ્રદર્શિત કરી શકાશે. તેમજ આઉટડોર મ્યુઝિક પાર્ક પણ હશે. રેસ્ટોરન્ટ ઉપરાંત આર્ટ સેન્ટર સંકુલમાં એક કેફેટેરિયા પણ હશે. આગામી સમયમાં આ સંકુલમાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી શકે છે. આ ઉદ્દેશ્ય સાથે મનમંદિર ફાઉન્ડેશન સેક્ટર-1માં આવા કેન્દ્રનું નિર્માણ કરી રહ્યું છે, જે સંગીત અને કલા પ્રવૃત્તિઓ માટે એક અનોખું કેન્દ્ર હશે.

Most Popular

To Top