ભારત માટે ગર્વની ક્ષણ સર્જાઈ ગઈ છે. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા નાસાના એક્સિઓમ-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)ની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરીને પોતાના વતન ભારત પરત ફર્યા છે. રવિવારે વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પર તેમના આગમન પર ઢોલ-નગારાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ પર કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડો. જીતેન્દ્ર સિંહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ISROના વડા ડો. વી. નારાયણન તેમજ તેમના પરિવારના સભ્યો હાજર હતા. શુભાંશુ જયારે બહાર આવ્યા ત્યારે તેમને પરંપરાગત રીતે ફૂલોની માળા પહેરાવીને અને ઢોલ-નગારાના તાલ પર સ્વાગત કરવામાં આવ્યું. એ પ્રસંગે એરપોર્ટ પર દેશભક્તિના સૂરો ગુંજતા જોવા મળ્યા હતા.
કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે આ પ્રસગે સોશિયલ મીડિયા પર લખ્યું, “આજે ભારત માટે ગર્વની ક્ષણ, ISRO માટે ગર્વની ક્ષણ છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ શક્ય બન્યું છે. ભારતનો અવકાશ ગૌરવ આજે ભારતીય ધરતી પર પહોંચ્યો છે કારણ કે ભારત માતાનો પ્રતિષ્ઠિત પુત્ર, અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે દિલ્હીમાં ઉતર્યો છે.”
ડો. સિંહે સાથે જ ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરનું પણ સ્વાગત થવાનું ઉલ્લેખ કર્યો હતો. નાયર ભારતના પ્રથમ માનવ મિશન ‘ગગનયાન’ માટે પસંદ કરાયેલા અવકાશયાત્રીઓમાંથી એક છે અને આ મિશનમાં ભારતના નિયુક્ત બેકઅપ હતા. મંત્રીના જણાવ્યા મુજબ, તેમને પણ આ પ્રસંગે માન અપાયું.
શુભાંશુ શુક્લા નાસાના એક્સિઓમ-4 અવકાશ મિશનનો ભાગ હતા. આ મિશન તા.25 જૂને અમેરિકાના ફ્લોરિડા સ્થિત નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી શરૂ થયું હતું અને તા.15 જુલાઈએ કેલિફોર્નિયાના કિનારે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ મિશન સાથે તેઓ છેલ્લા 41 વર્ષમાં અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ ભારતીય બન્યા છે.
દિલ્હી એરપોર્ટ પર એક ભાવુક ક્ષણ પણ જોવા મળી. જયારે શુક્લા બહાર આવ્યા, ત્યારે તેમનો નાનો દીકરો તેમની તરફ દોડતો આવ્યો. પોતાના દીકરાને સામે જોઈને શુભાંશુ શુક્લાનો ચહેરો ચમકી ગયો અને તેમણે તેને ગળે લગાવી લીધો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ.
હાલમાં શુક્લા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા જઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેઓ બાદમાં પોતાના વતન લખનૌ જવા રવાના થશે. તેમના આગમન બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે, જેમાં દેશના લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે.
શુભાંશુ શુક્લાની આ સફળતા ભારતના અવકાશ મિશન માટે ઐતિહાસિક માનવામાં આવી રહી છે અને ભવિષ્યના ગગનયાન મિશન માટે પ્રેરણાસ્ત્રોત બનશે.