સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી વચ્ચે હવે લોકોનો રોષ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. હની પાર્ક રોડ પર આવેલી શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર ફિટ કરવા આવેલી Dakshin Gujarat Vij Company Limited (DGVCL)ની ટીમને રહીશો, ખાસ કરીને મહિલાઓએ ઘેરી લીધા હતા. મંજૂરી વગર મીટર બદલવાનો આક્ષેપ કરતાં મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું “આમારી સંમતિ વગર એક પણ મીટર નહીં લાગે!”

જ્યારે DGVCLના કર્મચારીઓ સાધનો સાથે એપાર્ટમેન્ટમાં પહોંચ્યા, ત્યારે વાતચીતથી શરૂ થયેલો મુદ્દો થોડા જ સમયમાં ઉગ્ર બોલાચાલી સુધી પહોંચી ગયો. મોટી સંખ્યામાં મહિલાઓ નીચે એકત્ર થઈ ગઈ અને કામગીરી અટકાવી દીધી. રહીશોનું કહેવું હતું કે, કોઈ પૂર્વ સૂચના કે લેખિત જાણ વગર સીધું જ મીટર બદલવાની પ્રક્રિયા શરૂ કરવી લોકશાહી ઢબે યોગ્ય નથી.સાથેજ રહીશોએ ગંભીર આક્ષેપ લગાવ્યા કે મકાન માલિકોની લેખિત કે મૌખિક મંજૂરી લીધા વગર જ મીટર બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. “ઘર અમારું છે, તો અમારી મરજી વિના વીજ કંપની કેવી રીતે ઉપકરણ બદલી શકે?” એવો સવાલ મહિલાઓએ ઉઠાવ્યો હતો.
સોસાયટીના કેટલાક સભ્યોએ જણાવ્યું કે, જો તેઓ સમયસર ન આવ્યા હોત તો તેમની ગેરહાજરીમાં જ મીટર બદલી નાખવામાં આવ્યા હોત.આ દરમિયાન DGVCLના અધિકારીઓએ દલીલ કરી કે સોસાયટી પ્રમુખની પરમિશન મેળવી લેવામાં આવી છે. છતાંયે રહીશો આ વાતથી સંતોષ પામ્યા નહોતાં. કેટલીક મહિલાઓએ કર્મચારીઓના વર્તન અંગે નારાજગી વ્યક્ત કરી અને આરોપ મૂક્યો કે સવાલ પૂછતાં અધિકારીઓએ “ખોટી વાત ફેલાવો છો” કહીને ટાળવાનો પ્રયાસ કર્યો.
વિવાદનો માહોલ ત્યારે વધુ તંગ બન્યો જ્યારે કર્મચારીઓએ કહ્યું કે “મીટર અમારી કંપનીની પ્રોપર્ટી છે, અમે જ્યારે ઈચ્છીએ ત્યારે બદલી શકીએ.” આ નિવેદનથી રહીશોમાં વધુ આક્રોશ ફાટી નીકળ્યો. લોકોનું કહેવું હતું કે આ પ્રકારનું રૂઆબદાર અને અક્કડ વલણ સત્તાનો દુરુપયોગ સમાન છે.હાલ માટે રહીશોના વિરોધને કારણે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાએ શહેરમાં સ્માર્ટ મીટર મુદ્દે ચાલી રહેલા અસંતોષને ફરી એકવાર ઉગ્ર બનાવી દીધો છે. હવે પ્રશ્ન એ છે કે, જનતા સાથે સંવાદ વિના આ પ્રકારની કામગીરી કેટલા સમય સુધી શક્ય બનશે?