રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તા. 11 ઓક્ટોબર તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન દ્વારકામાં પધાર્યા હતા. જ્યાં તેમણે ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા. આ પ્રસંગે તેમની પુત્રી ઈતિશ્રી મુર્મુ પણ સાથે જોડાઈ હતી. રાષ્ટ્રપતિએ ભક્તિભાવ સાથે વિધિપૂર્વક પાદુકાપૂજન કરીને આશીર્વાદ મેળવ્યા અને ભારતના નાગરિકોની સુખ-સમૃદ્ધિ તથા શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
દ્વારકાધીશ મંદિર ખાતે રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના મહંતો અને અધિકારીઓએ તેમને ઉપરણા, દ્વારકાધીશ મંદિરની પ્રતિકૃતિ, તુલસી અને ફૂલોથી બનેલી અગરબત્તી, ગોલ્ડ-પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ તેમજ પ્રસાદ આપીને સન્માનિત કર્યા હતા.
તેમજ આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી અમોલ આવતે અને નાયબ કલેક્ટર હિમાંશુ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દ્વારકા શહેરમાં રાષ્ટ્રપતિના આગમનને લઈને ભક્તોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હવે અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં અતિથિ તરીકે હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલાં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. દશક બાદ ફરી એકવાર રાષ્ટ્રપતિની ઉપસ્થિતિ આ સમારોહને વિશેષ મહત્વ આપશે.
આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના આ દ્વારકા પ્રવાસ અને પદવીદાન સમારોહમાં હાજરીને લઈને સમગ્ર રાજ્યમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.