National

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સબમરીન INS વાઘશીર પર ઐતિહાસિક દરિયાઈ યાત્રા કરી

ભારતના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર દ્રૌપદી મુર્મુએ આજે 28 ડિસેમ્બર રવિવારે કર્ણાટકના કારવાર સ્થિત ભારતીય નૌકાદળના મહત્વના મથકની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ભારતીય નૌકાદળની સ્વદેશી રીતે વિકસિત કલવરી-ક્લાસ સબમરીન INS વાઘશીર પર પશ્ચિમ સમુદ્ર કિનારે ઐતિહાસિક દરિયાઈ યાત્રા કરી હતી.

કારવાર નૌકાદળ મથક પરથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી પણ રાષ્ટ્રપતિ મુર્મુની સાથે હાજર રહ્યા હતા. આ પ્રસંગ ભારતીય નૌકાદળ માટે ગૌરવનો ક્ષણ ગણાઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કલવરી-ક્લાસ સબમરીનમાં સફર કરનાર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. અગાઉ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે પણ સબમરીનમાં મુસાફરી કરી હતી. રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી આ બીજી સબમરીન યાત્રા છે.જેને ઐતિહાસિક મહત્વ આપવામાં આવી રહ્યું છે.

પ્રોજેક્ટ-75 હેઠળ નિર્મિત કલવરી-ક્લાસ ડીઝલ-ઇલેક્ટ્રિક એટેક સબમરીન INS વાઘશીરમાં, ભારતીય નૌકાદળની વધતી સબમરીન ક્ષમતાનું પ્રતિક છે. આ સબમરીન ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ વિકસાવવામાં આવી છે. તે ગુપ્ત દેખરેખ, ગુપ્ત માહિતી એકત્રિત કરવી તેમજ દુશ્મનના જહાજો અને સબમરીન સામે અસરકારક કાર્યવાહી કરવા સક્ષમ છે.

રાષ્ટ્રપતિની આ મુલાકાત ભારતીય નૌકાદળના સબમરીનરોની ટેકનિકલ કુશળતા, વ્યાવસાયિક પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ સાથે સશસ્ત્ર દળોમાં સર્વોચ્ચ નેતૃત્વનો વિશ્વાસ અને સમર્થન વધુ મજબૂત થયું છે.

Most Popular

To Top