Editorial

પ્રશાંત કિશોરને સમજ પડી ગઈ હશે કે ચૂંટણી માત્ર રણનીતિથી જીતાતી નથી, મજબુત સંગઠન પણ જરૂરી છે

ગમે તેટલી અને ગમે તેવી રણનીતિ ગોઠવવામાં આવે પણ જો સૈન્યની સંખ્યા નહીં હોય, સૈન્ય પુરતું નહીં હોય તો ક્યારેય વિજય મળતો નથી. આ વાત ભારતમાં રાજકીય રીતે રણનીતિના જાણકાર મનાતા પ્રશાંત કિશોરના કેસમાં સાચી પડી છે. ભૂતકાળમાં ભાજપની સાથે સાથે અન્ય રાજકીય પક્ષોની રણનીતિ ઘડનાર પ્રશાંત કિશોર ખુદ બિહારના જ છે પરંતુ બિહારમાં પોતાની પાર્ટીને વિજય અપાવી શક્યા નથી. વિજય તો દૂરની વાત, પ્રશાંત કિશોર પોતાની પાર્ટીનું ખાતું પણ બિહારમાં ખોલી શક્યા નથી. પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીએ બિહારમાં 238 બેઠકો પર ચૂંટણી લડી, પરંતુ એક પણ જીતી નહીં, અને માત્ર 2-3% મત મેળવ્યા. પ્રશાંત કિશોરની પાર્ટી પછીનો નંબર નોટાનો જ આવતો હતો. નોટાને 1.8 ટકા મત મળ્યા હતા.

જનસુરાજ પાર્ટીને મળેલા મતને ખુદ પાર્ટીના આગેવાનો જ એક ચોંકાવનારા ગણાવી રહ્યા છે. પ્રશાંત કિશોરને ત્યારે નામના મળી હતી કે જ્યારે 2013 માં તેમણે નરેન્દ્ર મોદીના સફળ પ્રચારમાં મોટી ભૂમિકા ભજવી હતી. મોદીની જીતમાં પ્રશાંત કિશોરનો મોટો હાથ છે તેવી રીતે પ્રચાર થયો હતો. રાજકારણમાં જીત માટેની રણનીતિ તૈયાર કરનાર તરીકે પ્રશાંત કિશોરની નામના થઈ ગઈ હતી પરંતુ મોદીને જીતાડનાર પ્રશાંત કિશોર બાદમાં જે જે પક્ષ સાથે જોડાયા તેમાંથી કોઈને પણ જીતાડી શક્યા નથી. પ્રશાંત કિશોર અને તેમની કંપની દેશભરના પક્ષો સાથે કામ કરી રહી હતી. કોંગ્રેસે તો પ્રશાંત કિશોરને એક વરિષ્ઠ સંગઠનાત્મક પદ ઓફર કરીને આકર્ષવાનો પ્રયાસ પણ કર્યો હતો.

પ્રશાંત કિશોરે પોતાની પાર્ટીને જીતાડવા માટે પોતે ક્યાંથી ઉમેદવારી કરી નહોતી. પ્રશાંત કિશોર કિંગમેકર બનવા માંગતા હતા પરંતુ જ્યાં પ્રજા જ નહીં હોય ત્યાં કિંગ મેકર બની શકાતું. નથી. પ્રશાંત કિશોરની પાર્ટીની હાર માટે દરેક વિવેચક અલગ અલગ કારણો રજૂ કરી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે પ્રશાંત કિશોર બિહારમાં જરૂરી જાતિ ગઠબંધન બનાવવામાં નિષ્ફળ રહ્યા એટલે તેમની જન સુરાજ પાર્ટીને એકપણ બેઠક મળી નહીં. બીજી તરફ કેટલાક એવું કહી રહ્યા છે કે પ્રશાંત કિશોર વધુ પડતા આત્મવિશ્વાસમાં રહ્યા અને તેને કારણે તેણે હારનું મોઢું જોવું પડ્યું. જોકે, એક વાત સત્ય છે કે જે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના માધ્યમથી પ્રશાંત કિશોર પોતાની પાર્ટીના ઉત્તમ દેખાવ માટે આશાવાદી હતા તે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ થકી પ્રચારનો તેમનો પ્રયોગ નિષ્ફળ રહ્યો છે.

હકીકત એ છે કે, ચૂંટણી ક્યારેય રાતોરાત લડાતી નથી. તેમાં પણ જો બિહાર જેવું રાજ્ય હોય તો તેમાં મતદારો સુધી પહોંચવું ખુબ જ મુશ્કેલ હોય છે. અરવિંદ કેજરીવાલ એટલા માટે દિલ્હીમાં જીતી શક્યા હતા કે દિલ્હીમાં પ્રચાર કરવો અઘરો નહોતો. ખુદ દિલ્હીવાસીઓ ભાજપ કે કોંગ્રેસને બદલે આપને જીતાડવા માટે તત્પર હતા. પરંતુ બિહાર જેવું રાજ્ય કે જ્યાં જાતિવાદ પ્રબળ હોચ અને આંતરિયાળ વિસ્તારો હોય કે જ્યાં જીતવા માટે સંગઠન હોવું ખુબ જ જરૂરી છે, ત્યાં પ્રશાંત કિશોર માત ખાઈ ગયા છે.

પ્રશાંત કિશોરની પાર્ટી જીતી તો નહીં, ઉપરથી તેણે આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનના મતો કાપીને ભાજપ અને જેડીયુ માટે જીતનો રસ્તો સરળ કરી આપ્યો હતો. બિહારની ચૂંટણીના પરિણામો પછી પ્રશાંત કિશોર સમજી ગયા હશે કે ચૂંટણી પ્રચારમાં ટીવી પર દેખાતા રહેવાથી કે પછી વાતોના વડા કરવાથી ક્યારેય ચૂંટણી જીતાતી નથી. ચૂંટણી જીતવા માટે મજબુત સંગઠન હોવું જરૂરી છે તે નક્કી છે.

Most Popular

To Top