અમદાવાદ: યોગના નામે નકલી નોટનું નેટવર્ક ઉભું કરનાર સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ જોટંગીયાએ છ મહિના પહેલા નકલી નોટ છાપવાનું ષડયંત્ર પોતાના સાગરીત આઅશોક માવાણીના ઘરે ઘડ્યું હતું. પ્રદીપની આગેવાનીમાં જ આખી ગેંગ તૈયાર કરવામાં આવી હતી. ગેંગને નફાના 50 ટકા અને બાકીના 50 ટકા પ્રદીપને મળે તેવું આયોજન કરાયું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, પ્રદીપ જોટાગીયા અને તેના સાગરીતો 1 લાખ અસલી નોટ સામે 3 લાખ નકલી નોટ આપવાની લાલચ આપી બજારમાં નોટો વહેતા કરતા હતા. આ રીતે તેઓ અંદાજે 33 ટકા જેટલો નફો કમાવતા હતા. કોઈનો ગંધ ન આવે તે માટે તેઓ કોઈ ખાસ એજન્ટ રાખતા નહોતા, પરંતુ ઓળખીતા લોકો મારફતે સીધી ડીલ કરતા હતા. પ્રાથમિક તપાસમાં ચીનથી મંગાવેલા કાગળના આધારે અંદાજે રૂ. 10થી 12 લાખ જેટલી નકલી નોટો બજારમાં પહેલેથી જ સર્ક્યુલેટ થઈ ગઈ હોવાની શક્યતા છે. હાલ આ નોટોને રિકવર કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
આ ઉપરાંત તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પ્રદીપ જોટાગીયાનું યોગ ફાઉન્ડેશન 2020 પછી સક્રિય નહોતું, છતાં તે યોગ શિબિરો અને દાનના નામે નાણાં ઉઘરી પોતાની વ્યક્તિગત વૈભવી જીવનશૈલી માટે ઉપયોગ કરતો હતો. આ પૈસાથી તેણે મોંઘીદાટ- વૈભવી કારો ખરીદી હોવાનું પણ બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચ હાલમાં આરોપીઓના મોબાઈલના ડેટા અને કોલના આધારે તેમના સંપર્કો, ખાસ કરીને અમદાવાદ-સુરતમાં તેમની સાથેના સંકલાયેલા લોકો તેમજ આયુષ મંત્રાલયના બોગસ બોર્ડના ઉપયોગ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં સાથે જોડાયેલા અન્ય લોકોની તપાસનો દોર ચાલુ છે, અને જો સંડોવણી બહાર નીકળશે તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નકલી નોટનો સોદાગર પ્રદીપ ફેબ્રુઆરીમાં ચીન ગયો હતો, એજન્ટોને મળ્યો હતો, હવાલાથી 17.50 લાખ ચીન મોકલ્યા હતા
અમદાવાદ અમરાવાડી નકલી નોટો કૌભાંડ – ચીનથી મશીનો અને સિક્યોરિટી પેપર મંગાવવા હવાલા મારફતે 17.50 લાખનો વ્યવહાર થયો હતો. કહેવાતો યોગગુરૂ પ્રદીપ જોટંગીયા ફેબ્રુઆરી મહિનામાં ખાસ ચીન ગયો હતો, જ્યાં ગુઆન્ઝોઉ શહેરમાં હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ મશીનો અને સિક્યોરિટી થ્રેટ ધરાવતા ખાસ કાગળ મેળવવા માટે એજન્ટો સાથે સંપર્ક કર્યો હતો. આ માટે આશરે રૂ. 17.50 લાખ હવાલા મારફતે ચીન મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોપી મુકેશ ઠુમ્મરે પોતાના લેપટોપમાં “સિક્યોર પ્રિન્ટ એજન્ટ” નામની એપ્લિકેશન દ્વારા નકલી નોટો છાપી હતી. આ એપ્લિકેશન ક્યાંથી મેળવી તે અંગે ટેકનિકલ એનાલિસિસ ચાલી રહી છે.