અલાસ્કા અને કેનેડાની સરહદ નજીક ગઈ કાલે શનિવારે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો. ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે આસપાસના વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરમાંથી બહાર ભાગી નીકળી ગયા હતા. આ વિસ્તારો સમુદ્રથી ઘેરાયેલા હોવાથી ભૂકંપ બાદ થોડો સમય સુનામીની શક્યતા અંગે પણ ડર ફેલાયો હતો પરંતુ સત્તાવાર રીતે કોઈ સુનામી ચેતવણી જારી કરવામાં આવી નથી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં હતું?
અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ અલાસ્કાના જૂનોથી લગભગ 230 માઇલ (370 કિલોમીટર) ઉત્તર–પશ્ચિમમાં હતું. કેનેડાના યુકોન પ્રદેશની રાજધાની વ્હાઇટહૉર્સથી આ સ્થાન લગભગ 155 માઇલ (250 કિલોમીટર) દૂર છે.
બંને દેશોના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ભૂકંપનો પ્રભાવ સરહદે આવેલા પર્વતીય વિસ્તારોમાં વધુ અનુભવાયો. સદભાગ્યે અત્યાર સુધી કોઈ જાનહાની કે મોટા નુકસાનની જાણ સામે આવી નથી.
વ્હાઇટહૉર્સની રૉયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું કે ભૂકંપ બાદ લોકો 911 પર મદદ માટે ફોન કરવા લાગ્યા હતા. સાર્જન્ટ કેલિસ્ટા મૅકલિઓડ અનુસાર ઝટકા એટલા ભારે હતા કે દરવાજા, કબાટ અને દીવાલો પરથી વસ્તુઓ નીચે પડવા લાગી હતી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ધરતી જોરથી ધ્રુજતી અનુભવાઈ હતી.
યુકોન વિસ્તાર વધુ અસરગ્રસ્ત
યુકોનનો મોટો ભાગ પર્વતીય છે અને અહીં માનવ વસતિ પણ ઓછી છે. તેથી મોટા પાયે નુકસાનની શક્યતા ઓછી હતી. તેમ છતાં ઝટકો તીવ્ર હોવાથી અનેક લોકોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખુલ્લા મેદાનમાં ભાગી ગયા હતા.
સુનામીનો ખતરો નહીં
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ભૂકંપ પછી સુનામીની કોઈ જાતની ચેતવણી જારી કરવામાં આવી નથી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે.