Gujarat

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પાવર પ્લે

ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ઉમરેઠ પેટા ચૂંટણીના ભણકારા સાથે જ રાજકીય તાપમાન અચાનક વધી ગયું છે. ચૂંટણીના ઢોલ વાગે તે પહેલાં જ રાજ્યમાં ત્રિપક્ષીય જંગ છવાઈ ગયો છે અને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ત્રણેય મેદાનમાં પૂરજોશમાં ઉતરી ગઈ છે. કેન્દ્રીય નેતાઓના સતત આંટાફેરા વચ્ચે હવે ગુજરાતનું રાજકારણ હાઈ વોલ્ટેજ મોડમાં પ્રવેશી ગયું છે.

આ રાજકીય ગરમાવા વચ્ચે આવતીકાલે તા. 23 માર્ચે લોકસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. લાંબા સમય બાદ ગુજરાતમાં તેમની એન્ટ્રીને કોંગ્રેસ માટે ‘રિવાઈવલ મિશન’ તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને વડોદરા અને આસપાસના આદિવાસી પટ્ટામાં પોતાની મજબૂત પકડને વધુ મજબૂત બનાવવા કોંગ્રેસ સંગઠન સ્તરે જોરદાર તૈયારીઓ કરી રહી છે. છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને નર્મદા જેવા વિસ્તારોમાં કોંગ્રેસ ફરીથી જમીન મજબૂત કરવા મથામણ કરી રહી છે. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ ‘સંગઠન નિર્માણ અભિયાન’ શરૂ કર્યું છે, અને રાહુલ ગાંધીનો આ પ્રવાસ તેના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

બીજી તરફ આમ આદમી પાર્ટી પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. 24 થી 27 માર્ચ દરમિયાન પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ માત્ર ઔપચારિક નહીં પરંતુ વ્યૂહાત્મક માનવામાં આવી રહ્યો છે. બંને નેતાઓ સૌરાષ્ટ્ર પર ખાસ ફોકસ કરશે, જ્યાં આપ પોતાની પકડ મજબૂત બનાવવા મક્કમ છે. 24 માર્ચે રાજકોટ પહોંચ્યા બાદ 25 માર્ચે પ્રદેશ નેતૃત્વ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ઉમરેઠ પેટા ચૂંટણી માટેની રણનીતિ ઘડાશે. ત્યારબાદ અમરેલી, લાલપુર અને દેવગઢ બારીયા ખાતે જાહેર સભાઓ દ્વારા જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. AAP માટે આ પ્રવાસ ‘મેક ઓર બ્રેક’ સાબિત થઈ શકે છે.

આ બધાની વચ્ચે ભાજપ પણ શાંત નથી બેઠી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વક્રર્માએ છોટાઉદેપુરમાં કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસ પર કરકસર પ્રહાર કરતાં રાજકીય માહોલ વધુ ગરમાવી દીધો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી આદિવાસી સમાજને ફક્ત વચનો આપ્યા અને ભ્રષ્ટાચાર કર્યો, જ્યારે ભાજપે વિકાસ અને સન્માન આપ્યું છે. “કોંગ્રેસ ચૂંટણી સમયે જ દેખાય છે, જ્યારે ભાજપ સતત કામ કરે છે,” કહી તેમણે કાર્યકર્તાઓમાં જીતનો જુસ્સો ભરી દીધો હતો. ભાજપે આદિવાસી પટ્ટામાં પોતાની મજબૂત પકડ જાળવવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે.

રાજ્યમાં હવે ચૂંટણી પંચ દ્વારા 26 માર્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું શિડયુલ જાહેર થવાની શક્યતા છે, જેના કારણે રાજકીય હલચલ વધુ તેજ બની ગઈ છે. સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તાર હવે મુખ્ય બેટલગ્રાઉન્ડ બની રહ્યા છે, જ્યાં ત્રણેય પક્ષો પોતાની તાકાત અજમાવી રહ્યા છે.

ગુજરાતની રાજનીતિ હવે સ્પષ્ટ રીતે ‘હાઈ વોલ્ટેજ ત્રિકોણીય મુકાબલા’ તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસ પુનર્જીવન માટે ઝઝૂમી રહી છે, આપ ઝડપથી પોતાનો વિસ્તાર વધારવા પ્રયત્નશીલ છે, જ્યારે ભાજપ પોતાનો કિલ્લો અડગ રાખવા આક્રમક રણનીતિ અપનાવી રહી છે. આવનારા દિવસોમાં ગુજરાતનું રાજકારણ વધુ ઉકળશે એ નિશ્ચિત છે — અને આ જંગમાં કોણ મોખરે રહેશે તે જોવા હવે સમગ્ર રાજ્યની નજર ટકી છે.

11 સભ્યોની કોર કમિટી
તાજેતરમાં કેન્દ્રિય નેતાગીરી સાથે પરામર્શ બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગુજરાત આગામી સમયમાં આવનારી ચૂંટણીને ધ્યાને રાખીને સંગઠનાત્મક નિર્ણયો માટે અત્યંત મહત્વની એવી ‘પ્રદેશ ચૂંટણી સમિતિ’ (કોર ગ્રુપ) ના સભ્યોની જાહેરાત કરી છે. આ 11 સભ્યોની કોર કમિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ઉપરાંત, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને રાજ્યના ડે સીએમ હર્ષ સંઘવીને પણ આ મહત્વની કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ​સંગઠનના સ્તરે મજબૂત પકડ ધરાવતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે. અન્ય સભ્યોમાં રાજ્ય મંત્રીમંડળના દિગ્ગજ નેતાઓ જેવા કે જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ અને દર્શનાબેન વાઘેલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પૂર્વ મંત્રીઓ અને અનુભવી નેતાઓ એવા ગણપતસિંહ વસાવા, પ્રદીપસિંહ જાડેજા અને આઈ. કે. જાડેજાને પણ સમિતિમાં લઈને પક્ષે અનુભવને પ્રાધાન્ય આપ્યું છે.​આ પ્રદેશ ચૂંટણી સમિતિ હવે પછીની તમામ ચૂંટણીઓમાં ઉમેદવારોની પેનલ નક્કી કરવાથી લઈને પક્ષની વ્યૂહરચના ઘડવા સુધીની મહત્વની કામગીરી સંભાળશે. આ જાહેરાત સાથે જ ભાજપે આગામી સમયની રાજકીય રણનીતિ માટે પોતાના મેદાન તૈયાર હોવાના સ્પષ્ટ સંકેત આપી દીધા છે.

Most Popular

To Top