ઈરાનના વરિષ્ઠ નેતા Ali Larijaniનું ઇઝરાયલના એરસ્ટ્રાઈકમાં મોત થયું હોવાની પુષ્ટિ ઈરાનની રાજ્ય મીડિયાએ કરી છે. તેઓ 67 વર્ષના હતા. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના નિવેદન મુજબ, આ હુમલામાં તેમના પુત્રનું પણ મોત થયું છે, જોકે હુમલાની વિગત જાહેર કરવામાં આવી નથી.
ઇઝરાયલે દાવો કર્યો હતો કે તેણે લારિજાનીને નિશાન બનાવીને હુમલો કર્યો હતો અને તેમને ઈરાનના “ડી ફેક્ટો લીડર” તરીકે વર્ણવ્યા હતા. લારિજાની લાંબા સમયથી ઈરાનની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા આવ્યા હતા અને તેઓ કટ્ટરપંથી અને મધ્યમપંથી જૂથો વચ્ચે સંતુલન જાળવવામાં નિષ્ણાત ગણાતા હતા.
તાજેતરના યુદ્ધ બાદ, જેમાં Ayatollah Ali Khameneiના મૃત્યુ બાદ ઈરાનમાં સત્તાનો સંકટ ઉભો થયો હતો, લારિજાનીને 2025માં ફરી ટોચના સુરક્ષા પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ઈરાનની વ્યૂહાત્મક નીતિ ઘડવામાં કેન્દ્રસ્થાને હતા અને અમેરિકા સાથે રાજકીય ઉકેલ શોધવા માટેની વાતચીતમાં પણ આગળ રહ્યા હતા.
વિશેષ રીતે, લારિજાની Mojtaba Khameneiને સુપ્રીમ લીડર બનાવવાના વિચારના વિરોધમાં હતા. તેમનું માનવું હતું કે વારસાગત સત્તા ઈસ્લામિક રિપબ્લિકના સિદ્ધાંતો વિરુદ્ધ છે. તેઓ પહેલાં ઈરાનના ન્યુક્લિયર વાટાઘાટકાર તરીકે પણ કામ કરી ચૂક્યા હતા અને વૈશ્વિક સ્તરે પ્રાગમેટિક નેતા તરીકે ઓળખાતા હતા. તેમણે રશિયા અને ગલ્ફ દેશો સાથે પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. લારિજાનીનું મૃત્યુ ઈરાન માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેઓ રાજકીય અને સૈન્ય તંત્ર વચ્ચેનું મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરતા હતા. તેમના અવસાનથી ઈરાનના નેતૃત્વમાં અનુભવી નેતાઓની ખોટ વધુ ઊંડી થઈ છે.