બિહાર વિધાનસભા ચૂંટણી અંગે ચૂંટણી પંચે જાહેર કરેલા નવા ડેટાએ ચોંકાવનારું ચિત્ર મૂક્યું છે. ઘણી બેઠકો પર જીત અને હારનો તફાવત બહુ ઓછો હતો પરંતુ તેમની સામે મોટી સંખ્યામાં પોસ્ટલ મતો રદ થયા. જો આ વોટ રદ ન થયા હોત તો અનેક બેઠકોનું પરિણામ સંપૂર્ણ બદલાઈ શક્યું હોત.
સંદેશ બેઠક: RJD માત્ર 27 મતથી હાર્યું પણ 360 પોસ્ટલ વોટ રદ
સંદેશ બેઠકમાં JDUના રાધા ચરણ સાહે 80,598 મત સાથે જીત મેળવી. જ્યારે RJDના દીપુ સિંહને 80,571 મત મળ્યા. જીત-હારનો તફાવત ફક્ત 27 મતનો હતો.
પરંતુ અહીં 1,550 પોસ્ટલ વોટમાંમાંથી 360 વોટ રદ કરવામાં આવ્યા હતા. જે ખુબ જ મોટી સંખ્યા છે. જો આ વોટ ગણવામાં આવ્યા હોત તો પરિણામ બદલી શકતું હતું. અહીં 4,160 NOTA વોટ પડ્યા.
નબીનગર બેઠક: 112 મતથી જીત, 132 પોસ્ટલ વોટ રદ
ઔરંગાબાદની નબીનગર બેઠક પર JDUના ચેતન આનંદે 112 મતથી જીત મેળવી. અહીં 812 પોસ્ટલ બેલેટ મળ્યા, જેમાંથી 132 વોટ રદ થયા. આ ઉપરાંત 4,042 લોકો NOTA પર પણ વોટ આપ્યા.
આગિયાઓન બેઠક: BJP 95 મતથી જીત્યું, 175 પોસ્ટલ વોટ રદ
ભોજપુરની આગિયાઓન (SC) બેઠક પર BJPના મહેશ પાસવાને 95 મતના તફાવતે CPI(ML)ના ઉમેદવારને હરાવ્યા. પરંતુ અહીં 1,088માંથી 175 પોસ્ટલ વોટ રદ થયા. આ બેઠક પર પણ 3,631 NOTA વોટ નોંધાયા.
રામગઢ બેઠક: BJP માત્ર 30 મતથી હાર્યું, 179 પોસ્ટલ વોટ રદ
કૈમુર જિલ્લાના રામગઢ બેઠક પર BSPના સતીશ યાદવે BJPના અશોક સિંહને ફક્ત 30 મતથી હરાવ્યા.
અહીં 1,041 પોસ્ટલ વોટ મળ્યા જેમાંથી 179 વોટ રદ થયા. જે જીત-હારના તફાવત કરતાં ઘણાં વધુ છે. આ બેઠક પર 1,154 NOTA વોટ પણ પડ્યા.
પોસ્ટલ વોટ રદ થવાના મુખ્ય કારણો
- ફોર્મ 13A અથવા 13Bમાં ભૂલો
- મતદારની સહી અથવા દસ્તાવેજોની ખામી
- મતપત્ર પર ખોટું નિશાન
- એકથી વધુ ઉમેદવારને મત આપવો