બિહાર: બિહારની (Bihar) સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાના મતદાન બાદ માથાભારે લોકો દ્વારા હિંસા કરવામાં આવી હતી. રોહિણી આચાર્ય (Rohini Acharya) આ બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર છે. સોમવારે સાંજે મતદાન (Voting) સમાપ્ત થયા બાદ રોહીણી છપરાના ઇલેક્શન બૂથ પહોંચી હતી. ત્યાર બાદ આ બૂથ પર ભારે હોબાળો થયો હતો.
આ મામલે વિવાદ વધતાં મંગળવારે સારણમાં આરજેડી અને ભાજપના ઉમેદવારો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમજ આ કેસમાં બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે સારણમાં બે દિવસ માટે એટલે કે 48 કલાક માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ઘટના બાદ છપરાના ભીખારી ઠાકુર ચોક પાસે મોટી સંખ્યામાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી હતી. એસપી અને ડીએમ પણ સ્થળ પર ઘટના સ્થળે હાજર રહ્યા હતા. સોમવારે સાંજે આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્ય આ વિસ્તારના બૂથ નંબર 118 પર પહોંચ્યા હતા. ત્યાર બાદ આ હોબાળો થયો હતી.
પ્રાપ્ત વિગતો મુજબ બંને પક્ષોથી ઘણા લોકો હતા. તેમજ ઘટનાસ્થળે મોટી માત્રામાં ભીડ ઉમટી પડી હતી. બંને તરફથી લોકો લાકડીઓ લઈને આવ્યા હતા. ગોળીઓ પણ છોડવામાં આવી હતી. ત્રણ લોકોને ગોળી વાગી હતી. સ્થાનિક લોકોનો આરોપ છે કે રોહિણી આચાર્યએ બૂથ પર પહોંચ્યા બાદ મતદારો સાથે ગેરવર્તણૂક કરી હતી, તેમજ આ દરમિયાન તેમના સમર્થકો પણ તેમની સાથે હતા. રોહિણી આચાર્યને રોષે ભરાયેલી ભીડને જોતા સ્થળ છોડવું પડ્યું હતું પરંતુ મંગળવારે સવારે જ્યારે વિવાદ નવેસરથી વધ્યો ત્યારે ગોળીબાર થયો હતો.
આ ઘટના અંગે સારણના એસપી ગૌરવ મંગલાએ કહ્યું કે ગઈકાલે આરજેડી અને બીજેપીના કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો. જેના જવાબમાં આજે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી એકનું મોત થયું હતું. બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ થોડા સમય માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહેશે.
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ સોમવારે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કા હેઠળ બિહારની પાંચ સીટો પર મતદાન થયું હતું, જેમાં સીતામઢી, મધુબની, મુઝફ્ફરપુર, સારણ અને હાજીપુરનો સમાવેશ થાય છે. બિહારમાં પાંચમા તબક્કામાં 52.93% મતદાન થયું હતું.