ભૂતકાળમાં તત્કાલિન વડાપ્રધાન વાજપેયીના સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શિખર વાર્તાઓ થઈ હતી. જોકે, તે સમય બાદ કારગીલ કાંડ થયો અને તેને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં મોટો ખટરાગ આવી ગયો.
પાકિસ્તાન (PAKISTAN) ચીન(CHINA)ના પડખામાં ભરાઈ ગયા બાદ ભારત અને પાકિસ્તાન (INDIA VS PAKISTAN) વચ્ચે સંવાદિતા રહી નહોતી. ઉપરથી જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન (PM MODI) બન્યા ત્યારથી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં માથાકૂટો ચાલતી જ રહે છે. થોડા સમય પહેલા પુલવામાં એટેક બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઈક પણ કરવી પડી હતી. બાદમાં જ્યારે કાશ્મીર(J&K)માંથી 370ની કલમ કાઢી નાખવામાં આવી ત્યારે પણ પાકિસ્તાન દ્વારા ભારતની વિરૂદ્ધમાં બખાળા કાઢવામાં આવ્યાં હતાં. જોકે, અઢી વર્ષના લાંબા સમય બાદ હવે ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે સકારાત્મક સંબંધોની શરૂઆત થઈ છે. જો બંને દેશ દ્વારા આ રીતે જ સંબંધોને સકારાત્મક (POSITIVE) રીતે લેવામાં આવશે તો બંને દેશનો વિકાસ વધી શકે તેમ છે.
પાકિસ્તાન ભારતનું પરંપરાગત દુશ્મન રહ્યું છે. પાકિસ્તાન ભારત સાથે ત્રણ વખત યુદ્ધ કર્યું છે. એકપણ વખત પાકિસ્તાન જીતી શક્યું નથી. છતાં પણ પાકિસ્તાનના ભારત વિરૂદ્ધનો ઉભરો શમતો નથી. જોકે, જ્યારથી અમેરિકાના પ્રમુખ તરીકે ટ્રમ્પની વિદાય થઈ છે અને બાઈડને કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી પાકિસ્તાન અને ચીનની ભારત સાથેની માથાકૂટ ઓછી થઈ જવા પામી છે. પાકિસ્તાન સમજી ગયું છે કે બાઈડનના સમયમાં તે માથાકૂટ કરી શકશે નહીં અને તેને કારણે પાકિસ્તાનનું પણ ભારત તરફનું વલણ બદલાઈ ગયું છે. ગત તા.25મી ફેબ્રુઆરીએ બંને દેશની સેનાના ઉચ્ચ અધિકારીઓએ એકબીજા સાથે વાત કરીને એવું નક્કી કર્યું હતું કે, સરહદે સંઘર્ષ વિરામ કરીએ. જેને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સીઝફાયર થઈ ગયું છે. અગાઉ 1થી 25 ફેબ્રુઆરી દરમિયાન સીઝ ફાયર ભંગની 255 ઘટના નોંધાઈ હતી. જ્યારે જાન્યુ. માસમાં પણ 336 વખત યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો.
જોવા જેવી વાત એ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન અને તેના સેના વડા કમર બાજવા દ્વારા ભારતની વિરૂદ્ધમાં તાજેતરમાં કોઈ જ નિવેદનો કરવામાં આવ્યાં નથી. આજ રીતે હાલમાં ભારતમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હોવા છતાં પણ ભાજપના નેતાઓ દ્વારા પાકિસ્તાનનું નામ લેવામાં આવતું નથી. ભૂતકાળમાં ચૂંટણીઓમાં ભાજપના નેતાઓ દ્વારા પાકિસ્તાનની વિરૂદ્ધમાં નિવેદનો કરવામાં આવતાં જ હતાં. પાકિસ્તાન અને ભારત વચ્ચે સકારાત્મક વલણ ચાલી રહ્યાની એ પણ સાબિતી છે કે જ્યારે ઈમરાન ખાનને કોરોના થયો ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી. જ્યારે પાકિસ્તાન દિવસની ઉજવણી વખતે પણ મોદીએ શુભેચ્છા આપી હતી. આ કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલના સમયમાં સંબંધોમાં સુધાર જોવા મળી રહ્યો છે. હકીકત એ છે કે પાકિસ્તાન જો આઈએસઆઈ અને આતંકીઓ પર લગામ રાખે તો ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખટરાગ આવવાની સંભાવના નથી.
જ્યારે અખંડ ભારત હતું ત્યારે ભારત અને પાકિસ્તાન એક જ હતાં. જો ભારત અને પાકિસ્તાન સાથે રહીને કામ કરે તો બંને દેશની પ્રગતિ શક્ય બને તેમ છે. પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતાં ઘણી છે. જેને કારણે ઘણી વખત ત્યાં રાજકીય ઈચ્છાશક્તિ ભારત સાથે સંબંધ સુધારવાની દિશામાં હોય તો પણ ત્યાંનું લશ્કર તેમ થવા દેતું નથી. જેને કારણે ફરી બંને દેશ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી જાય છે. હાલમાં જે સકારાત્મક વલણ શરૂ થયું છે તે જો બંને દેશો દ્વારા ચાલુ રાખવામાં આવશે તો બંને દેશોનો વિકાસ જ થશે તે નક્કી છે.