Business

GSTમાં સુધારાની પોઝિટીવ ઈફેક્ટ શેરબજારમાં જોવા મળીઃ સેન્સેક્સ 81000ને પાર

જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટીના દરોમાં કરાયેલા સુધારાની સકારાત્મક અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે. આજે બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું અને ગણતરીના સમયમાં બીએસઈ સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો નોંધાતા રોકાણકારો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. જોત જોતામાં સેન્સેક્સ 81000ને પાર પહોંચી ગયું હતું. ટ્રમ્પ ટેરિફના ડરને બજારે પાછળ છોડી દેતા રોકાણકારોએ રાહત અનુભવી હતી.

આજ રોજ ગુરુવારે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. BSE સેન્સેક્સે 900 પોઈન્ટનો ઉછાળો દર્શાવી 81,000ની સપાટી વટાવી. રોકાણકારોમાં આ ઉત્સાહ GST કાઉન્સિલ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા મોટા ટેક્સ સુધારાઓને કારણે જોવા મળ્યો છે.

રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ
GST કાઉન્સિલે ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કરતા હવે માત્ર બે જ દર 5% અને 18% રાખ્યા છે. જોકે પહેલા 12% અને 28%ના સ્લેબ હતા. જે હવે દૂર કરવામાં આવ્યા છે. આ સુધારો તા.22 સપ્ટેમ્બર 2025થી એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી અમલમાં આવશે. આ સુધાએરથી ઉદ્યોગ જગત અને રોકાણકારોમાં આશાવાદનું વાતાવરણ બન્યું છે.

સેન્સેક્સ-નિફ્ટીમાં પણ વધારો નોંધાયો
શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 888.96 પોઈન્ટ વધીને 81,456.67 પર પહોંચ્યો. NSE નિફ્ટી પણ 265.7 પોઈન્ટના વધારા સાથે 24,980.75 સુધી પહોંચી ગયો. આ સ્તરે પહોચવાથી ભારતીય શેરબજારે નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે.

કયા શેરમાં સૌથી વધુ વધારો થયો
સેન્સેક્સમાં સામેલ 30 કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)ના શેરમાં સૌથી વધુ 7.50%નો ઉછાળો નોંધાયો. તેના સિવાય બજાજ ફાઇનાન્સ (4.95%), હિન્દુસ્તાન યુનિલિવર (1.84%), બજાજ ફિનસર્વ (2.78%), ITC (1.64%), ટાટા મોટર્સ (0.91%) અને અલ્ટ્રાટેક સિમેન્ટ (0.63%)ના શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો .

બીજી તરફ આ શેરમાં ઘટાડો જોવા મળ્યો

GST કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા મોટા ટેક્સ સુધારાઓને કારણે જ્યાં મોટા ભાગના શેરમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ ઇટરનલ, ટાટા સ્ટીલ, એનટીપીસી અને એચસીએલ ટેકના શેરોમાં ઘટાડો નોંધાયો છે.

વૈશ્વિક બજારની સ્થિતિ
એશિયન બજારોમાં મિશ્ર પરિણામ જોવા મળ્યાં. દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી 225 વધારા સાથે રહ્યા. જ્યારે ચીનનો શાંઘાઈ SSE કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગ સેંગ ઘટાડા સાથે બંધ થયા.

આમ GST સુધારાના કારણે બજારમાં સ્પષ્ટ આશાવાદનોં માહોલ જોવા મળ્યો છે. ટેક્સ માળખું સરળ થતાં ઉદ્યોગો માટે ખર્ચમાં ઘટાડો થશે અને વપરાશમાં વધારો થવાની સંભાવના છે. રોકાણકારો માને છે કે આ સુધારા ભારતના અર્થતંત્રને નવી ગતિ આપશે અને શેરબજારમાં આવનારા દિવસોમાં વધુ તેજી જોવા મળી શકે છે.

Most Popular

To Top