અઢારમી સદીમાં ધોળિયાઓના રાજમાં નિયમિત કે રાજકીય ગુનેગારોને દૂર આઇલેન્ડની જેલમાં નાખવાની પ્રથા હતી જેવી કે બ્રિટને બનાવેલી આંદામાન ટાપુની સેલ્યુલર જેલ, અમેરિકાની આલ્કાટ્રાઝ, ફ્રાન્સની પેપિલોન કે બ્રિટનની ઓસ્ટ્રેલિયામાં બનાવેલી પોર્ટ આર્થર જેલ. બધી જેલમાં કેદીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો અને રાજ્ય ખુશ થતું કે દેશમાંથી ખરાબ માણસો અને વિરોધીઓનો નિકાલ થઇ ગયો છે.
ઓસ્ટ્રેલિયાના અગ્નિ ખૂણામાં છે ટાસ્માનિયા આઇલેન્ડ અને તેના અગ્નિ ખૂણામાં છે તાસ્માન પેનિન્સ્યુલા જેમાં પોર્ટ આર્થર અને તેની પ્રખ્યાત જેલ આવેલી છે જ્યાં બ્રિટનથી દેશનિકાલ કરેલા ગુનેગારો રાખવામાં આવતા. આને કારણે વીસમી સદીના પહેલા ભાગમાં ઓસ્ટ્રેલિયા બદમાશ ગુનેગારોનો દેશ ગણાતો! સાલામાનકા માર્કેટમાં લટાર મારી અમે તે જોવા નીકળ્યા. મુખ્ય ટાપુ અને દ્વીપકલ્પને જોડતું ઇગલ હૉક નેક પસાર કરી અમે પોર્ટ આર્થર પહોંચ્યા. જ્યારે જેલ કાર્યરત હતી ત્યારે આ નાનકડા રસ્તા પર ખાસ સૈનિકો અને શિકારી કૂતરાની ફોજ ચોકી માટે રહેતી. એમ કહેવાતું કે કોઈ આ જેલમાંથી ભાગી ન શકે પણ માર્ટિન કેશ નામનો કેદી બે વાર અહીંથી ભાગવામાં સફળ રહેલો અને એના નામનું લુક આઉટ પણ આ નેક પર બનાવવામાં આવ્યું છે.
ટિકિટ લઈને વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત થયેલ પોર્ટ આર્થર જેલ કોમ્પ્લેક્સમાં અંદર ગયા એટલે પહેલા વિઝિટર સેન્ટરમાં તેના વિશેના પ્રદર્શન પર ઊડતી નજર નાખી અને તેના વિશે એક નાનકડી ફિલ્મ જોઈ. 1877 સુધી આ જેલ ચાલેલી. થોડા દાયકાઓ બાદ એને પ્રવાસીઓ માટે ખોલવામાં આવી. આ વિશાળ વસાહતમાં એક મોટા વિસ્તારમાં જેલ આવી છે પણ પહેલા તો મોટા બાગ બગીચા આવે. તેમાં થોડું ફરી ત્યાંની ફેરીનો ટાઈમ સ્લોટ બુક કરેલો એટલે પહેલા એમાં સહેલ કરવા ગયા. 20 મિનિટના આ ચક્કરમાં અમને બહારથી બે આઇલેન્ડ બતાવ્યા – એક પર જ્યુવેનાઈલ (કિશોર) અવસ્થાના કેદીઓની જેલ હતી. બીજો ટાપુ હતો આઇલ ઓફ ધ ડેડ – મૃતકોનો ટાપુ. તેની એક તરફ સારી દેખાતી હેડ સ્ટોનવાળી કબરો ઓફિસર અને તેમના કુટુંબીઓની હતી. બીજી બાજુ પર ઢગલાબંધ સધર્ન કબરો કેદીઓની હતી. ખાલી બાગમાં ફરીએ અને ફેરી રાઈડ કરીએ તો કોઈ રિસોર્ટમાં આવ્યા હોય એવું જ લાગે!
પછી જેલ વિસ્તારમાં ગયા. પહેલું મકાન ખંડેર હાલતમાં હતું પણ તેમાં નાના-નાના ઓરડાઓ કેદીઓને કેટલી જગ્યા મળતી તે બતાવતા હતા. નજીકમાં જ વોચ ટાવર અને જેલ કમાન્ડન્ટનો બંગલો હતા. તે ઘણા સારા જળવાયેલા હતા. ત્યાંથી થોડે દૂર સાઈનોકોના ક્વાર્ટર્સ, એક ચર્ચ અને કાફેટેરિયા બિલ્ડીંગ હતું. એક મેન્ટલ હોસ્પિટલ પણ બનાવેલી હતી જે વધુ દૂર હતી પણ અમને સદ્દભાગ્યે ત્યાંના સ્ટાફની બગી કાર્ટમાં લિફ્ટ મળી ગઈ. મેન્ટલ હોસ્પિટલમાં કેદીઓની સારવાર કરતા તેમના પર જાતજાતના અખતરા થતા. અહીં ઓરડામાં તો કેદી એકલો જ હોય પણ બહાર ચાલવા જવાની છૂટ આપે ત્યારે 100 મીટર જેટલા કોર્ટ યાર્ડમાં પણ એકલો જ હોય.
ઘણા કેદી એકલતાને લીધે જ ભાંગી પડતા. જો કે કહે છે કે ખૂબ ત્રાસ વર્તાવ્યા પછી અહીંથી જ જેલ-સુધારણા કાર્યક્રમ પણ શરૂ થયેલા! પોર્ટ આર્થરને કારણે બીજો એક કાયદો પણ બદલાયો. 90ના દાયકામાં એક માણસે અહીં અંધાધૂંધ ગોળીઓ ચલાવી બહુ લોકોને મારી નાખેલા એટલે ઓસ્ટ્રેલિયાના બંદૂક કાયદામાં સુધાર આવ્યો! અહીં મેમોરિયલ ગાર્ડન બનાવ્યો છે. મેન્ટલ હોસ્પિટલની મુલાકાતે થોડા વિચલિત કરી દીધા એટલે પાછા ફરતા સુંદર લોનમાં લટાર મારી અને પછી વિઝિટર સેન્ટરમાં પેટપૂજા કરી. ચાર કલાક પસાર કરી અમે ત્યાંથી પાછા આવવા નીકળ્યા. ઇગલ હૉક નેક પર થોડું રોકાણ કરી પાઇરેટ્સ બે (ચાંચિયાનો અખાત) પહોંચ્યા. ત્યાંની સુંદરતા માણી અને રસ્તે ડાર્વેન્ટ નદીની સાથે ગાડી ચલાવતા હોબાર્ટ પહોંચી ગયા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.