Editorial

મતદારોની જાગૃતિના અભાવે ભારતમાં રાજકારણ ધંધો બની ગયો છે, નેતાઓ કરોડોમાં આળોટી રહ્યા છે

140 કરોડથી વધુની વસતી ધરાવતા ભારત દેશમાં હજુ પણ કરોડો લોકો ગરીબીની રેખાની નીચે છે. ભારતમાંથી ધીરેધીરે ગરીબી દૂર થાય છે પરંતુ જો કોઈએ ઝડપથી ગરીબી દૂર કરવી હોય તો નેતા બની જવું. ભારતમાં જેટલા પણ રાજકારણી નેતાઓ છે તેમાંથી મોટાભાગના ધનાઢ્ય છે. ભાગ્યે જ કોઈ નેતા ગરીબ છે. ભારતના કેટલાક નેતાઓ પાસે કરોડો રૂપિયા છે તો ગણ્યાગાંઠ્યા નેતા એવા છે કે જેની પાસે માત્ર 1700 રૂપિયા જ છે. એક નેતા પાસે 1400 કરોડથી વધુની સંપત્તિ છે. જેટલા પણ નેતા લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તે તમામ કરોડોપતિ છે. તાજેતરમાં એડીઆર દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટના આંકડા જોવામાં આવે તો એવું માની શકાય કે ભારતમાં સૌથી સારો કમાવવાનો ધંધો રાજકારણ જ છે. એડીઆરની યાદીમાં પણ કેટલાક અમીર નેતા છટકી ગયા હશે કે જેણે પોતાની સંપત્તિ હજુ સુધી જાહેર નહીં કરી હોય.

ભારતમાં હવે જે પણ ચૂંટણી થાય છે તેમાં દરેક ઉમેદવારે પોતાની સંપત્તિ એફિડેવિટ કરીને જાહેર કરવાની હોય છે. આ માહિતીના આધારે જ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 28 રાજ્યો તેમજ 2 કેન્દ્રશાસિત પ્રદેશના 4001 જેટલા વર્તમાન ધારાસભ્યોનું વિશ્લેષણ કર્યા બાદ આ અહેવાલ ગત વર્ષે બહાર પાડવામાં આવ્યો હતો. આ અહેવાલમાં સૌથી અમીર ધારાસભ્યોમાં કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારનો સમાવેશ થાય છે. ડી.કે.શિવકુમારની સંપત્તિ 1413 કરોડની છે. જ્યારે પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્ય પાસે સૌથી ઓછી માત્ર 1700 રૂપિયાની સંપત્તિ જ છે. રિપોર્ટ પ્રમાણે ભારતના સૌથી વધુ ધનિક ધારાસભ્યોમાં કોંગ્રેસના ચાર અને ભાજપના ત્રણ છે.

જે ધારાસભ્યો સૌથી વધુ ધનિક છે તેમાં કોંગ્રેસના ધારાસભ્ય કેએચ પુટ્ટુસ્વામી ગૌડા પાસે 1267 કરોડની સંપત્તિ છે. જ્યારે કોંગ્રેસના જ ધારાસભ્ય પ્રિયા કૃષ્ણાની સંપત્તિ 1156 કરોડ છે. આજ રીતે ટીપીડીના ધારાસભ્ય અને માજી મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબુ નાયડુ પાસે 668 કરોડની સંપત્તિ છે. ભાજપના ધારાસભ્ય જયંતિ સોમા પટેલ પાસે 661 કરોડની સંપત્તિ છે. આ ઉપરાંત સુરેશબીએસ, વાયએસ જગન મોહન રેડ્ડી, પરાગ શાહ, ટીએસ સિંહદેવ, મંગલપ્રતાપ લોઢાનો સમાવેશ પણ ધનિક ધારાસભ્યોમાં થાય છે.  વિચારવા જેવી બાબત એ છે કે આટલી બધી સંપત્તિ આ ધારાસભ્યો પાસે આવે છે ક્યાંથી? જ્યારે ભારત આઝાદ થયો ત્યારે મોટાભાગના રાજકારણીઓ સેવાના હેતુથી રાજકારણમાં આવતાં હતા. પરંતુ આજે એવી સ્થિતિ છે કે રાજકારણીઓ નાણાં કમાવવા માટે જ રાજકારણમાં આવે છે. નેતા બની ગયા પછી નાણાં કમાવવા સહેલા છે અને આજ કારણે નેતાઓ પણ પોતાના પરિવારના સભ્યોને પણ રાજકારણમાં ખેંચી લાવે છે.

એડીઆરનો રિપોર્ટ તો હિમશિલાની માત્ર ટોચ જ છે. આખી હિમશિલા કેટલી મોટી છે તે કોઈને જ ખબર નથી. જે વ્યક્તિ ધારાસભા કે લોકસભા લડી ચૂક્યો હોય કે પછી તેને જીતી ચૂક્યો હોય તેવા તમામ નેતાઓ આજે કરોડોપતિ છે. ભારતના જ નાણાંમંત્રી નિર્મલા સીતારમને પોતાની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી તેવી પક્ષમાં રજૂઆત કરી પરંતુ અન્ય લોકસભાના ઉમેદવારો પાસે એટલા નાણાં છે કે તેઓ જીતવા માટે ગમે તેટલી રકમ ખર્ચી શકે છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી માટે પ્રત્યેક ઉમેદવાર 95 લાખ ખર્ચી શકે તેવી મર્યાદા મૂકી છે.

પરંતુ ચૂંટણીમાં જે તે ઉમેદવારનો સ્હેજેય ખર્ચ 5 કરોડને આંબી જશે. કેટલીક બેઠકો પર ખર્ચનો આંક 10 કરોડથી પણ વધારે થવાની સંભાવના છે. આજના મતદારો પણ હોંશિયાર થઈ ગયા છે. જે નેતા ચૂંટણી સમયે નાણાંકીય લાભ કરાવે તે જ ઉમેદવારને મત આપે છે. આજ કારણે હવે રાજકારણ ધંધો થઈ ગયો છે. ભારતમાં લોકશાહી છે પરંતુ આ લોકશાહીનો ગેરલાભ એવી રીતે લેવામાં આવ્યો છે કે નેતાઓ કરોડોપતિ બને. ચૂંટણી પંચ દ્વારા નિયંત્રણો લાદવામાં આવે છે પરંતુ તેનો કોઈ જ અર્થ રહેતો નથી. જો રાજકારણીઓને કરોડોપતિ થતાં અટકાવવા હોય તો મતદારોએ સારા અને સાચા ઉમેદવારને જીતાડવા પડશે તે નક્કી છે.

Most Popular

To Top