National

અમેરિકામાં રાજકીય હોબાળો: US કોંગ્રેસે ટ્રમ્પના ભારત પરના 50% ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યો

અમેરિકામાં ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફ મુદ્દે હવે અમેરિકા સાંસદમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રીય કટોકટીનો હવાલો આપીને ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલા 50 ટકા સુધીના ટેરિફ સામે હવે યુએસ કોંગ્રેસ ખુલ્લેઆમ વિરોધમાં આવી છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ત્રણ સાંસદોએ આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવી તેને રદ કરવાની માંગ સાથે ઠરાવ રજૂ કર્યો છે.

ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ ડેબોરાહ રોસ, માર્ક વેસી અને ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયેલા આ ઠરાવમાં ટ્રમ્પ સરકારના રાષ્ટ્રીય કટોકટી આદેશને પડકારવામાં આવ્યો છે. આ આદેશ હેઠળ ભારતના અનેક ઉત્પાદનો પર પહેલા 25 ટકા અને ત્યારબાદ વધારાની 25 ટકા ડ્યુટી લાદવામાં આવી હતી. જેના કારણે કુલ ટેરિફ 50 ટકા સુધી પહોંચી ગયો હતો. આ ટેરિફ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ લાદવામાં આવ્યા હતા.

અમેરિકન અર્થતંત્ર અને રોજગારને નુકસાન
કોંગ્રેસવુમન ડેબોરાહ રોસે જણાવ્યું કે ભારત સાથેના વેપાર સંબંધો ઉત્તર કેરોલિનાની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતીય કંપનીઓએ ત્યાં 1 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. જેના કારણે હજારો નોકરીઓનું સર્જન થયું છે. તેમણે કહ્યું કે ભારત પર ટેરિફ વધારવાથી અમેરિકન વ્યવસાયો અને કામદારોને સીધું નુકસાન થાય છે.

ફુગાવો વધવાનો ખતરો
ટેક્સાસના સાંસદ માર્ક વેસીએ જણાવ્યું કે આ ટેરિફ સામાન્ય અમેરિકન નાગરિકો માટે પરોક્ષ કર સમાન છે. પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો પર તેનો વધારાનો ભાર પડે છે. તેમણે ઉમેર્યું કે ભારત અમેરિકા માટે માત્ર આર્થિક જ નહીં પરંતુ વ્યૂહાત્મક રીતે પણ મહત્વપૂર્ણ ભાગીદાર છે.

સપ્લાય ચેઇનમાં ખલેલ
ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે ટ્રમ્પના ટેરિફ પગલાંથી સપ્લાય ચેઇન ખોરવાઈ છે, અમેરિકન કામદારોને નુકસાન થયું છે અને ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધ્યો છે. તેમના મતે, ટેરિફ હટાવવાથી ભારત-અમેરિકા વચ્ચે આર્થિક તથા સુરક્ષા સહયોગ વધુ મજબૂત બનશે.

ટ્રમ્પની કટોકટી શક્તિઓ પર રોક લગાવવાનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે બ્રાઝિલ પર લાદાયેલા ટેરિફ સામે પણ યુએસ સેનેટમાં દ્વિપક્ષીય પહેલ શરૂ થઈ ચૂકી છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ હવે રાષ્ટ્રપતિ દ્વારા કટોકટી શક્તિઓનો ઉપયોગ કરીને લેવાતા એકપક્ષીય વેપાર નિર્ણયો પર અંકુશ લાવવાની દિશામાં આગળ વધી રહી છે.

જો આ ઠરાવ મંજૂર થાય છે, તો ભારત પરના 50 ટકા ટેરિફ હટાવવાનો માર્ગ ખુલશે અને ભારત-અમેરિકા સંબંધોમાં નવી સકારાત્મકતા જોવા મળી શકે છે.

Most Popular

To Top