“પ્રજાહિતમાં જ નિર્ણય થશે” – મુખ્યમંત્રીનો વિશ્વાસ, પીડિત પરિવારોને મળી આશાની કિરણ
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી પ્રિલીમિનરી ટી.પી. સ્કીમ નં. 49, 50 અને 51માં રહેણાંક મકાનો, સોસાયટીની વાડીઓ અને ખુલ્લા પ્લોટ પર મુકાયેલા રિઝર્વેશન મુદ્દે હવે રાજ્ય સરકાર સ્તરે મોટી હલચલ સર્જાઈ છે. આશરે એક લાખ લોકોને સીધી અસર કરતા આ પ્રશ્નને લઈને પીડિત પરિવાર સમિતિના 12 પ્રતિનિધિઓએ રાજ્યના મુખ્યમંત્રી Bhupendra Patel તેમજ નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi સમક્ષ મહત્વપૂર્ણ રજુઆત કરી.
સમિતિએ રજૂઆત માં જણાવ્યું કે 27થી વધુ સોસાયટીઓની વાડીઓ, રહેણાંક મકાનો, રસ્તાઓ અને પ્લોટ પર મુકાયેલા રિઝર્વેશનને કારણે નાના અને મધ્યમવર્ગના પરિવારો ભારે માનસિક તથા આર્થિક તણાવમાં જીવી રહ્યા છે. ઘણા લોકોએ દાગીના વેચીને અથવા લોન લઈને મિલકત ખરીદી છે, અને હવે રિઝર્વેશનના ભયથી અનિશ્ચિતતામાં છે.તેમજ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે હાલ સ્કીમ પ્રીલીમિનરી સ્ટેજમાં હોવાથી કાનૂની અને ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ થયા વિના ઉતાવળે કોઈ નિર્ણય જાહેર કરી શકાય નહીં. પરંતુ સ્કીમ ફાઈનલ થયા બાદ જરૂરી હોય ત્યાં ફેરફાર કરવા સરકાર પ્રતિબદ્ધ છે. “પ્રજાહિતમાં જ નિર્ણય લેવાશે,” એમ કહી તેમણે અસરગ્રસ્તોને વિશ્વાસ આપ્યો.
આવનારી સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા સ્પષ્ટ જાહેરાત કરવાની માંગ પણ ઉઠી હતી, જેને લઇ મુખ્યમંત્રીએ “વિશ્વાસ રાખો” એવો આશ્વાસનભર્યો સંદેશ આપ્યો.અગાઉ પણ અસરગ્રસ્તોએ રેલી અને મોરચા દ્વારા અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ કોઈ નિષ્કર્ષ આવ્યો નહોતો. હવે રાજ્ય સ્તરે ચર્ચા થવાથી પીડિત પરિવારોમાં નવી આશા જાગી છે કે અંતિમ ટી.પી. બાદ તેમને રાહત મળશે.