SURAT

સુરતમાં રાજકીય તોફાન,મતદાર યાદી મુદ્દે મતદાતાઓ સાથે કોંગ્રેસનો આક્રમક વિરોધ

ગુજરાતમાં SIRની કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો હોવા છતાં હવે તેની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે.કોંગ્રેસનો આરોપ છે કે કામગીરીના નામે સાચા અને કાયદેસર મતદારો સાથે ખુલ્લેઆમ અન્યાય કરવામાં આવી રહ્યો છે.કોંગ્રેસના જણાવ્યા મુજબ ફોર્મ નંબર 7નો વ્યાપક દુરુપયોગ થયો છે. કોઈ પણ પ્રકારના પૂરતા પુરાવા વગર મતદાર યાદીમાંથી નામ કમી કરવાની અરજીઓ કરવામાં આવી રહી છે, જે લોકશાહીની મૂળ ભાવનાને ઘાત પહોંચાડે છે. કોંગ્રેસે સ્પષ્ટ રીતે કહ્યું છે કે મતદાર યાદી સાથે આ પ્રકારનો ચેડા દેશના બંધારણ અને લોકતંત્ર પર સીધો હુમલો છે.

આ મુદ્દે કોંગ્રેસ દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આજે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે, હાથમાં બેનરો, નારા અને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે ચૂંટણી તંત્ર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસે માંગ કરી છે કે ફોર્મ નંબર 7 જે પુરાવા વગર ભરાયા છે, તે તમામ ફોર્મ તાત્કાલિક રદ કરવામાં આવે.કોંગ્રેસે આ મુદ્દે વધુ એક મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે આ તમામ ફોર્મ એક જ સ્થળેથી, ભરાયા છે. આ આરોપે રાજ્યની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસે જણાવ્યું કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આવનારા દિવસોમાં વિરોધને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે જે લોકો પુરાવા વગર મતદારોના નામ કમી કરવાની અરજી કરે છે, તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

બેદરકારી દાખવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ મતદાર યાદી સાથે ચેડા કરવાની હિંમત ન કરે.આ સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ પણ તીવ્ર પ્રતિક્રિયા આપી છે.“મતદાર યાદીમાંથી પુરાવા વગર નામ કાઢવું એ લોકશાહીની હત્યા સમાન છે. તમામ ફોર્મ એક જ જગ્યાએથી ભરાયા છે. આ અન્યાય સહન નહીં કરીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું.”હાલ સુરતમાં મતદાર યાદી મુદ્દે રાજકીય તાપમાન વધી ગયું છે.

Most Popular

To Top