Editorial

આપણા દેશમાં રાજકીય પક્ષ સ્થાપવા માટે લોકોના ઉત્સાહમાં થયેલો વધારો અદભૂત છે!

દેશમાં કેટલા રાજકીય પક્ષો હશે? આના જવાબમાં જેઓ રાજકારણમાં બહુ મર્યાદિત રસ લે છે અને બહુ મર્યાદિત જ્ઞાન ધરાવે છે તેવા લોકો તો કદાચ કોંગ્રેસ અને ભાજપના જ નામો અને બહુ બહુ તો બીજા બે-ત્રણ પક્ષોના નામો  જણાવી શકે. જેઓ રાજકારણની ઉંડી સમજ અને સારું એવું જ્ઞાન ધરાવે છે તેવા લોકો પણ જનતા દળ, સપા, બસપા, આપ, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, રાજદ વગેરે વગેરે નામો આપી શકે. ટીઆરએસ, ડીએમકે, અન્નાદ્રમુક જેવા  દક્ષિણના – પ્રાદેશિક પક્ષ કહી શકાય તેવા પક્ષો, શિવસેના જેવો મહારાષ્ટ્રનો અને અકાલી દળ જેવો પંજાબનો પક્ષ, ઓડિશાના નવીન પટનાયકનો બીજેડી જેવા પક્ષો એવા છે કે જેઓ પ્રાદેશિક કક્ષાના પક્ષો છે છતાં કેન્દ્રીય રાજકારણમાં  પણ સારું એવું મહત્વ ધરાવે છે.

આવા પક્ષો સહિત બહુ બહુ તો પચીસ કે ત્રીસ નામો ગણાવી શકાય. પરંતુ આપણા દેશમાં ચૂ઼ંટણી પંચના ચોપડે નોંધાયેલા ત્રીસ, ચાલીસ કે પચાસ નહીં, સો કે થોડાક સો પણ નહીં પરંતુ પૂરા અઢી હજાર  કરતા વધુ પક્ષો છે એ વાત સાંભળતા નવાઇ લાગે છે પરંતુ ચૂંટણી પંચ પાસેથી હાલમાં મળેલી વિગતો મુજબ આ બિલકુલ સાચી હકીકત છે. હાલમાં કેટલાક એવા પક્ષોની માન્યતા રદ કરવામાં આવી જેમની નોંધણી તો થઇ હતી પણ હજી  માન્યતા મળી ન હતી, આ અહેવાલ બહાર આવવાની સાથે દેશમાં નોંધાયેલા રાજકીય પક્ષો અંગેની પણ રસપ્રદ માહિતી બહાર આવી અને તે સાથે એ વાત પણ સ્પષ્ટ થઇ ગઇ કે ઘણા લોકોને રાજકીય પક્ષ સ્થાપવાની ચળ ઉપડે છે  પરંતુ તેઓ આરંભે શૂરા જેવા પુરવાર થાય છે. રાજકીય પક્ષની સ્થાપના કરીને તેઓ નોંધણી તો કરાવી દે છે પરંતુ પછી તેમની કાર્યવાહી આગળ ચાલતી નથી!

ચૂંટણી પંચે ૮૭ સંસ્થાઓને પોતાની નોંધાયેલા માન્યતા વગરના રાજકીય પક્ષોની યાદીમાંથી દૂર કરી છે જેમની ભૌતિક ચકાસણી કરાતા તેમનું અસ્તિત્વ નહીં હોવાનું જણાયું હતું એમ અધિકારીઓએ હાલમાં જણાવ્યું હતું. આ પગલું  એના પછી આવ્યું જયારે થોડા દિવસ પહેલા ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે એવા ૨૧૦૦ કરતા વધુ નોંધાયેલા અમાન્ય પક્ષો સામે પગલાં લેવામાં આવશે જેઓ નિયમોનો ભંગ કરે છે અને ચૂંટણી કાયદાઓનો ભંગ કરે છે જેમાં  નાણાકીય ફાળાઓની વિગતો નહીં ભરવાની, સરનામ અપડેટ નહીં કરાવવાની અને હોદ્દેદારોના નામો નહીં જણાવવાની બાબતોનો સમાવેશ થાય છે. તેણે જણાવ્યું હતું કે આમાંથી કેટલાક પક્ષો ગંભીર નાણાકીય ગેરરીતિઓમાં  સંડોવાયેલા છે. આ વાત પણ મહત્વની છે.

કેટલાક લોકો બદદાનતથી, રાજકીય પક્ષના નામે દેશ-વિદેશમાંથી ડોનેશન ઉઘરાવીને નાણા ઉભા કરવાના હેતુસર તો કેટલાક લોકો માત્ર પ્રભાવ જમાવવા માટે રાજકીય પક્ષોની સ્થાપના  કરતા હોય છે. આપણો દેશ એક મુક્ત લોકશાહી દેશ છે અને કોઇને પણ પોતાનો રાજકીય પક્ષ સ્થાપવાની અહીં છૂટ છે અને તેનો ગેરલાભ પણ કેટલાક લોકો ઉઠાવે છે. ચૂંટણી પંચે નોંધ્યું હતું કે નોંધાયેલા હોય પરંતુ હજી માન્યતા  નહીં મળી હોય તેવા ૮૭ પક્ષો સંદેશવ્યવહાર માટે તેમના સરનામા જણાવવામાં નિષ્યળ ગયા છે જે સરનામા જણાવવા કાયદા મુજબ ફરજિયાત છે.

આ પક્ષોને પંચની યાદી પરથી દૂર કરવામાં આવ્યા છે. લાગતા વળગતા રાજ્યોના મુખ્ય  ચૂંટણી અધિકારીઓ દ્વારા ભૌતિક ખરાઇ કરાતા આ પક્ષોનું અસ્તિત્વ જ નહીં હોવાનું જણાયું હતું એમ સૂત્રોએ જણાવ્યું હતું. ઘણા ઉત્સાહી લોકો રાજકીય પક્ષની નોંધણી તો કરાવી દે છે પરંતુ તે પછી તેને માટે માન્યતા મેળવવાની  બાબતમાં આગળ વધી શકતા નથી. અહીં ૮૭ પક્ષો તો પોતાના સરનામા આપવામાં નિષ્ફળ ગયા છે પરંતુ સ્વાભાવિક રીતે ઘણા નોંધાયેલા રાજકીય પક્ષો એવા છે કે જેમની નોંધણી તો થઇ ગઇ છે પરંતુ હજી માન્યતા મળી નથી. ચૂંટણી  પંચે તે તમામ ૮૭ પક્ષોની યાદી રજૂ કરી હતી જેમના નામો નાબૂદ કરવામાં આવ્યા છે. પંચે ભૂતકાળમાં પણ આવી કવાયત કરી છે એમ સૂત્રોએ જણાવ્યુ હતું. આરંભે શૂરા એવા ઉત્સાહી લોકો અને કેટલાક ખોરી દાનતવાળા લોકો ચૂંટણી  પંચને આવી કવાયતો પણ ઠીક ઠીક કરાવે છે તે આના પરથી સમજી શકાય છે.

આપણે અગાઉ જ જોયુ કે દેશમાં અઢી હજાર કરતા વધુ એવા પક્ષો છે કે જેમણે ચૂંટણી પંચ સમક્ષ પોતાની નોંધણી તો કરાવી છે પરંતુ પોતાના પક્ષ માટે માન્યતા મેળવી શક્યા નથી કે મેળવી નથી. સપ્ટેમ્બર ૨૦૨૧ના આંકડાઓ મુજબ  ૨૭૯૬ એવા પક્ષો છે જેમની નોંધણી થઇ છે પણ હજી માન્યતા મળી નથી. ૨૦૦૧થી આ સમય સુધી આવા પક્ષોમાં ૩૦૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. બે દાયકામાં ૩૦૦ ટકાનો વધારો અદભૂત કહી શકાય. આના પરથી એમ પણ  ધારી શકાય કે રાજકીય પક્ષો સ્થાપવાના લોકોના ઉત્સાહમાં વધારો થતો ગયો છે પરંતુ ઘણા બધા લોકોનો આ ઉત્સાહ કદાચ સોડા વૉટરના ઉભરા જેવો જણાય છે. ઉત્સાહમાં આવીને કેટલાક લોકો રાજકીય પક્ષની નોંધણી કરાવી  તો દે છે પરંતુ તે પછીની અટપટી પ્રક્રિયાઓમાંથી પસાર થવાનુ તેમને ભારે પડી જાય છે. પરંતુ આટલા ઢગલેબંધ રાજકીય પક્ષોની નોંધણી ચૂંટણી પંચ સમક્ષ થાય છે તે પણ એક રમૂજી બાબત છે.

Most Popular

To Top