રાજપીપળા, ડેડિયાપાડા: નર્મદા (Narmada) જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરના (Police Head Quarters) પી.આઈ.ને (PI) સસ્પેન્ડેડ (Suspended) એ.એસ.આઇ.એ ધમકી (Threat) આપી હોવાની ઘટના હજી તાજી જ છે, ત્યારે ડેડિયાપાડા ટી.ડી.ઓ.એ મોઝદા સી.એચ.સી.ના મેડિકલ ઓફિસરને ફોન પર મારી નાંખવાની ધમકી આપી હોવાની એક ઘટના સામે આવી છે. આ મામલે મેડિકલ ઓફિસરે ટી.ડી.ઓ. વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.
ડેડિયાપાડાના મોઝદા સી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો.ચિરાગ વસાવાએ ડેડિયાપાડા પોલીસમથકમાં આપેલી ફરિયાદ મુજબ તેમને નોકરી પર રજા હોવાથી વડોદરા હતા, ત્યારે 9408550129 પરથી ફોન આવ્યો હતો અને એમણે પોતાની ઓળખાણ ડેડિયાપાડા ટી.ડી.ઓ. તરીકે આપી હતી. 12મી તારીખે એક વ્યક્તિની નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું, ત્યારે ડો.ચિરાગ વસાવાએ પી.એમ. કરી વિસેરાનાં સેમ્પલ એફ.એસ.એલ.માં મોકલ્યાં હતાં. ફોન પર ડેડિયાપાડા ટી.ડી.ઓ.એ ડોક્ટરને જણાવ્યું કે, તમે વિસેરાનાં સેમ્પલ એફ.એસ.એલ.માં કેમ મોકલ્યા, પી.એમ. રિપોર્ટ એફ.એસ.એલ. વિસેરાનાં સેમ્પલ મોકલ્યા વગર સાદો ડૂબી જવાથી મૃત્યુ થયું છે એવું બતાવી દેવાનું. અત્રે ઉલ્લેખનીય છે કે, વિસેરા સેમ્પલ એફ.એસ.એલ.માં મોકલવા એ ડોક્ટરની ફરજમાં આવે છે.
ડો.ચિરાગ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, ટી.ડી.ઓ.એ મને પી.એમ.નાં વિસેરા સેમ્પલ એફ.એસ.એલ.માં મોકલ્યા વગર સીધોસાદો પી.એમ. રિપોર્ટ બનાવી દેવા મારી પર દબાણ કર્યું હતું. સાથે સાથે ટી.ડી.ઓ.એ પોતાના હોદ્દાનો રોફ બતાવી મને ધમકી આપતાં કહ્યું કે, હું ટી.ડી.ઓ છું, સામે ડોક્ટર પણ કેમ ન હોય હું જાનથી મારી પણ નાંખું. હું કોઈ કાયદો પણ જોતો નથી.
મારે એમની સાથે કોઈ અંગત અદાવત નથી: ટી.ડી.ઓ.
આ બાબતે ડેડિયાપાડા ટી.ડી.ઓ. કનૈયાલાલ વસાવાએ જણાવ્યું હતું કે, 12 તારીખે બનેલી ઘટના બાબતે ડોક્ટર કોઈ રિસ્પોન્સ આપતા નહોતા. મારે પણ ઉપર જવાબ આપવાનો હોય, જો સહાય મળવાપાત્ર હોય તો એ પણ આપવાની હતી. એટલે મેં ઉશ્કેરાટમાં એમને અપશબ્દો બોલી દીધા હશે, મારે એમની સાથે કોઈ અંગત અદાવત નથી. અને મેં પી.એમ. રિપોર્ટ વિસેરા સેમ્પલ મોકલ્યા વગર સીધોસાદો બનાવવા માટે કોઈ દબાણ કર્યું નથી.