સુરત : મુંબઇમાં (Mumbai)રહેતા યુવકે સુરતમાં (Surat) રહેતી તેની પત્નીને (Wife) છૂટાછેડાના કેસના કાગળીયા મોંઢા ઉપર ફેંકીને બે-ત્રણ તમાચા મારી દીધા હતા. આ ઉપરાંત યુવકે તેની પત્નીને ધમકી આપી હતી કે, ‘આ ફ્લેટમાં મારો હક્ક છે, હું તને છૂટાછેડા નહીં આપુ અને શાંતિથી જીવવા પણ નહીં દઉ’. આ બાબતે મહિધરપુરા પોલીસે (Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- મુંબઇમાં રહેતા યુવકે સુરતમાં રહેતી પત્ની સાથે ગાળાગાળી કરતા યુવકની સામે મહિધરપુરા પોલીસે ગુનો નોંધ્યો
- પતીએ ઘમકી આપી કે ‘આ ફ્લેટ પર મારો પણ હક્ક છે, હું તને છૂટાછેડા આપીશ નહીં અને બરાબર જીવવા પણ નહીં દઉ’
પ્રાપ્ત વિગતો મુજબ મહિધરપુરાના પઠાણવાડા પાસે આવેલા સાલેહ મંઝીલમાં રહેતી આરેફાના લગ્ન અમેરિકામાં રહેતા અને ડોક્ટરની પ્રેક્ટિસ કરતા યુવકની સાથે થયા હતા. તેના છૂટાછેડા થઇ ગયા બાદ આરેફાએ મુંબઇ સેન્ટ્રલમાં એવેરેડી હાઉસમાં રહેતા ઇબ્રાહીમ ઝોએબ લાઇટવાલાની સાથે લગ્ન કર્યા હતા. ઇબ્રાહીમ શું કામ ધંધો કરતો હતો તે કોઇને જાણ કરતો ન હતો. દરમિયાન તેઓની બંને વચ્ચે ઝઘડા થતા બંને અલગ થઇ ગયા હતા, આ માથાકૂટમાં આરેફાના ભાઇ મહેલમ વચ્ચે પડ્યો હતો અને સમાધાન કરવા કહ્યું હતું. આરેફા મુંબઇમાં જ જામીયા સેફીયા યુનિવર્સિટીમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી. આ દરમિયાન ઇબ્રાહીમે આરેફાને કહ્યું કે, તારો ભાઇ મહેલમ જે ફ્લેટમાં રહે છે તે ફ્લેટ મને આપી દો, તારુ કેરેક્ટર બરાબર નથી, હું તને મારા ઘરે નહીં રાખીશ અને છૂટાછેડા પણ નહીં આપુ, તમને શાંતિથી રહેવા નહીં દઉ. પતિના ત્રાસથી કંટાળીને આરેફાએ ઇબ્રાહીમની સામે મુંબઇની કોર્ટમાં છૂટાછેડા મેળવવાની પીટીશન કરી હતી અને સુરતમાં પિતાએ લઇ આપેલા ફ્લેટમાં રહેવા આવી ગઇ હતી. ત્યારે ઇબ્રાહીમે કોર્ટમાંથી છૂટાછેડાના ડોક્યુમેન્ટ લઇને સુરતમાં આરેફા પાસે આવ્યો હતો. અહીં આરેફાના ઘરમાં જબરદસ્તીથી ઘુસી જઇને તેના મોંઢા ઉપર જ છૂટાછેડાના કેસના પેપર ફેંકી મારવા લાગ્યો હતો, આ ઉપરાંત ઇબ્રાહીમે આરેફાના ધમકી આપી કે, આ ફ્લેટમાં મારો પણ હક્ક છે અને હું તને છૂટાછેડા નહીં આપુ. બનાવ અંગે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.