સુરત : ડિંડોલી (Dindoli) વિસ્તારમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધતા અને પોલીસની (Police) ધાક ઘટતી જોવા મળી છે. ચા ની દુકાનમાં (Tea Shop) અજાણ્યાઓએ આવીને તોડફોડ કરતા ડિંડોલી પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. ડિંડોલી કરાડવા રોડ પર શુભલક્ષ્મી રેસીડેન્સીમાં રહેતો 23 વર્ષીય રાજેશ ગંગારામ યાદવ પવેલિયન પ્લાઝામાં ચા ની દુકાન ચલાવે છે. ગઈકાલે સવારે રાજેશ દુકાને હતો ત્યારે તેના મામા ગોપાલભાઈને ફોન આવ્યો હતો કે ‘તુ જેકી સાથે કેમ માથાકુટ કરે છે, જો તુ જેકી સાથે માથાકુટ કરીશ તો તારી દુકાન તોડી નાખીશુ અને દુકાન ચાલવા દઈશ નહી’ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ રાત્રે સાડા આઠ વાગે રાજેશ દુકાન પર હતો.
કારીગર ચા બનાવતો હતો ત્યારે પાંચેક અજાણ્યા ચા ની દુકાન પર ધસી આવ્યા હતા. અને જોર જોરથી રાડો પાડી દુકાનના કાચને લોખંડની પાઈપ વડે લાકડાના ફટકા વડે તોડી નાખ્યો હતો. તે હુમલો ન કરે તે ડરથી રાજેશ અને તેનો કારીગર ભાગી ગયા હતા. અડધો કલાક પછી આવીને જોયું તો દુકાનમાં મુકેલા ત્રણ મોટા ફ્રીજ તથા એક આઈસ્ક્રીમ મુકવાનો આડો મોટો ફ્રીજ, ગરમ નાસ્તો મુકવાનો ઓવન, માછલી ઘર બધુ તુટેલું હતું. રાજેશે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા ડિંડોલી પીસીઆરે સ્થળ પર પહોંચી આ અંગે ફરિયાદ દાખલ કરી હતી.
‘ઇસ બાર તો તુ બચ ગયા, દુસરી બાર હમારે સાથ પંગા લિયા તો જાન સે માર દેંગે’
સુરત: વડોદ ખાતે રહેતો યુવક પત્ની સાથે ગણેશજી વિસર્જન કરીને ઘરે જતો હતો. ત્યારે મહિલાનો વિડીયો ઉતારનાર બે જણાને ટોકતા બંનેએ ગાળાગાળી કરી ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં ઘરે જઈને મહિલાના પતિ પર તલવાર વડે હુમલો કર્યો હતો. પાંડેસરા વડોદ ખાતે રહેતો 32 વર્ષીય મનોજ રામકિશોર ચૌરસીયા મુળ છતરપુર મધ્યપ્રદેશનો વતની છે. તે લુમ્સના કારખાનામાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કમલેશ ઉર્ફે તોતા (રહે-ભગવતીનગર વડોદ પાંડેસરા), ચંદન પાસી (રહે. શાસ્ત્રીનગર વડોદ) તથા અમરીશ ઉર્ફે ટકલા વિશ્વકર્મા (રહે. ભગવતીનગર વડોદ) ની સામે ફરિયાદ નોંધાવી હતી. 9 તારીખે બપોરે મનોજભાઈ તેના પરિવાર સાથે ઘરમાં સ્થાપિત કરેલા ગણેશજીની પ્રતિમા લઈને ભેસ્તાન કૃત્રિમ તળાવ ઉપર ગયા હતા.
વિસર્જન કરીને પરત આવતી વખતે રસ્તામાં કમલેશ અને અમરીશ મનોજભાઈની પત્નીનો વિડીયો લેતા હતા. જેથી મનોજભાઈની પત્નીએ વિડીયો બનાવવાની ના પાડતા બંનેએ ઉશ્કેરાઈ ગાળાગાળી કરી હતી. જેથી તેમને સમજાવતા બંને ત્યાંથી નીકળી ગયા હતા. સાંજે મનોજભાઈ તેમના ઘરે હતા ત્યારે મંગલેશ, અમરીશ અને ચંદને ઘરની બહાર આવીને ગાળાગાળી કરી હતી. ચંદને તેની પાસેની તલવાર વડે મનોજભાઈને માથામાં ઘા મારી દીધો હતો. બીજા બંનેએ પણ લાકડાના ફટકા અને સળીયા વડે માર માર્યો હતો. મનોજભાઈની પત્ની અને માતા વચ્ચે પડતા ત્રણેય જણા ‘ઇસ બાર તો તુ બચ ગયા દુસરી બાર હમારે સાથ પંગા લીયા તો જાન સે માર દે’ તેવી ધમકી આપી ભાગી ગયા હતા. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.