Dakshin Gujarat

લોક સુનાવણી વિના જમીન સંપાદન સામે વિરોધ

વ્યારા: સોનગઢથી (Songadh) કપડબંધ હાઇવે માટે લોક સુનાવણી રાખ્યા વિના જમીન માપણી કરવા ગયેલા તંત્રનો વિરોધ દર્શાવતા પ્રાંત અધિકારીને રજૂઆત કરવા આશરે ૧૭ જેટલાં ગામોનાં લોકો સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ યુસુભ ગામીતના નેતૃત્વમાં તાપી જિલ્લા સેવા સદનમાં પહોંચ્યા હતા. પોલીસે (Police) આ ગેટ (Gate) બંધ કરી આંદોલનકારીઓને અટકાવતાં ત્રણ કોંગ્રેસી (Congress) ધારાસભ્યો સાથે આદિવાસી મહિલાઓએ થાળી-વેલણ વગાડી સરકાર વિરુદ્ધ લાંબા સમય સુધી સૂત્રોચારો કર્યા હતા. ત્યાર બાદ જિલ્લા સેવા સદનનો ગેટ કૂદી અંદર પ્રવેશવા જતાં પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

સોનગઢ-કપડબંધ હાઈવે પહોળો કરવા માટે ચાલતી સરવેની કામગીરી અને ઉકાઈમાં હાઇડ્રો પ્લાન્ટ માટે જમીન સંપાદન કરવા ડ્રોનથી ચાલતી સરવેની ગતિવિધિ સામે સ્થાનિક અસરગ્રસ્તોને અંધારામાં રાખ્યા હતા. જેથી સોનગઢ તાલુકા પ્રમુખ યુસુભ ગામીત અસરગ્રસ્તો સાથે વિરોધ પ્રદર્શન સાથે મંગળવારે રજૂઆત કરવા કોંગ્રેસી ત્રણ ધારાસભ્યો પુનાજી ગામીત, સુનીલ ગામીત, અનંત પટેલ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ટોળાને કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પર અટકાવી દેતા અસરગ્રસ્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે અમુક આગેવાનોને જ અંદર જવા આગ્રહ કર્યો હતો. જ્યારે ટોળું પ્રાંત અધિકારીને રૂબરૂ મળવા માંગતું હતું.

પ્રાંત અધિકારી તેમની સમક્ષ આવીને જમીન સંપાદન બાબતે સ્પષ્ટતા કરે તેવું પણ ઇચ્છતું હતું. આશરે બે કલાક સુધી પોલીસે તેઓને અટકાવી રાખ્યા હતા, પ્રાંત અધિકારી પણ લોકો સમક્ષ નહીં આવતા લોકોની ધીરજ ખૂટી હતી. જેથી આ ટોળું કલેક્ટર કચેરી સુધી જવાની કોશિશ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

પોલીસે બળપ્રયોગ કરીને આંદોલનકારીઓને અટકાવતા મામલો તંગ બન્યો હતો. ટોળાં અને પોલીસ વચ્ચે ઝપાઝપી સાથે ભારે રકઝક થઇ હતી. આ દરમ્યાન અસરગ્રસ્ત મહિલાઓ ગેટ પાસે બેસી થાળી વગાડી પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવી પ્રાંત અધિકારી સમક્ષ ખુલાસો માંગ્યો હતો. આ મહિલાઓએ આશરે ૧ કલાક સુધી થાળી વગાડી રોષ ઠાલવ્યો હતો. ત્યાર બાદ પ્રાંત અધિકારીએ લોકો સમક્ષ આવી રજૂઆત સાંભળી કેટલીક સ્પષ્ટતા કરી હતી. જો કે, લોકોએ એક ઈંચ પણ જમીન નહીં આપવાનું જણાવી લોક સુનાવણી વિના જમીન માપણી કે સરવે થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

Most Popular

To Top