પલસાણા: પલસાણા (Palsana) ચાર રસ્તા નજીક સ્ટેટ બેંકની (Stat Bank) નીચે આવેલી મની ટ્રાન્સફરની (Money Transfer) દુકાનમાંથી બુધવારે સવારે એક બાળક સાથે આવેલા અન્ય ઇસમોએ દુકાનદારનું ધ્યાન ખેંચી બાળકને બેગ (Bag) લઇ લેવાનો ઇશારો કરતાં બાળક ૨ લાખ રૂપિયા ભરેલી બેગ લઇ નાસી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) ફૂટેજમાં કેદ થઇ જતાં પોલીસે (Police) તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા ગામે બ્રાહ્મણ ફળિયામાં રહેતા કૃણાલ જયેશ ગોસાઇ (ઉં.વ.૨૯) પલસાણા ચાર રસ્તાથી સચિન તરફ જતા હાઇવે પર આવેલી સ્ટેટ બેંકની નીચે શ્રીજી મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે. બુધવારે સવારે તેમણે દુકાન ખોલી તેમની પાસે બે લાખ રૂપિયા ભરેલી બેગ ટેબલ ૫૨ મૂકી હતી અને ગ્રાહકો હોવાથી તેમના કામમાં લાગી ગયા હતા. ત્યારે એક બાળકની સાથે આવેલો ઇસમ દુકાને ઝેરોક્ષ માટે બાળક સાથે આવ્યો હતો. દરમિયાન બાળકને બેગ ઉઠાવી લેવા માટે જેવો ઇશારો કર્યો કે તરત બાળક દુકાનદારની સામેથી જ તેમની ૨ લાખ રૂપિયા ભરેલી બેગ લઇ નાસી છૂટ્યો હતો. ૧૦ મિનીટ બાદ કૃણાલભાઇને બેગ ગુમ થઇ હોવાનું માલૂમ પડતાં તેમણે દુકાનમાં રહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કરવાથી બેગ બાળક લઈ નાસતો નજરે પડ્યો હતો. અને કૃણાલે તરત જ આસપાસના વિસ્તારોમાં જઈ તપાસ કરી હતી. પરંતુ બાળકની કોઇ ભાળ મળી ન હતી. આ બાળક સાથે આવેલી ટોળકી સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ હતી. જેને લઇ કૃણાલભાઇએ આ અંગે પલસાણા પોલીસમથકે જાણ કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તજવીજ હાથ ધરી છે.
રોજ અંદાજે ૨ લાખની રકમ લઈ દુકાનમાં આવતા હોવાની તસ્કરોને જાણ હતી
કૃણાલભાઇની દુકાનમાં મની ટ્રાન્સફરના ધંધાની સાથે સાથે કોઇ ગ્રાહકને આધાર કાર્ડની બેંકમાંથી નાણાં ઉપાડવા હોય તે સુવિધા પણ હોવાથી ગ્રાહકોને રોકડા રૂપિયા આપવા માટે તેઓ હંમેશાં અંદાજે ૨ લાખ જેટલી રકમ લઇને જ ઘરેથી આવતા હતા. અને આ વાતની જાણ રેકી કરનાર ઉઠાંતરોને થઇ હોવાથી તેમણે રેકી કર્યા બાદ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. અને સવારના સમયે ગ્રાહકો પણ વધુ હોય તેવા સમયે જ બેગની ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેથી કોઇ જાણભેદુ હોવાની પણ આશંકા સેવાઇ રહી છે.