Dakshin Gujarat

પીએસઆઈને ધમકી : ‘સાહેબ, તમે ઓળખતા નથી, મારો પુત્ર જંબુસરનો દાદો છે’

ભરૂચ: જંબુસર પોલીસ સ્ટેશનમાં (Police Station) PSIને પિતા-પુત્ર દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી હોવાની ઘટના સામે આવી છે. વાત એટલી હદ સુધી આગળ વધી હતી કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને જ પિતા-પુત્રથી છૂટકારો મેળવવા પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી.

જંબુસર પોલીસમથકે ઝમીરૂદ્દીન ઇલમુદિન શેખ છેલ્લા 3 મહિનાથી PSI તરીકે ફરજ બજાવે છે. બુધવારે PSI ઝેડ.આઈ.શેખ જંબુસર પોલીસમથકે ફરજ ઉપર હાજર હતા. એ સમયે બીલકિસબાનુ નામની મહિલા બિલાલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવવા આવી હતી. આ દરમિયાન પોલીસ મથકે બિલાલ અને ભાગલીવાડમાં રહેતો ઇસ્માઇલ ઉર્ફે લેપ્ટી મલેક અને તેનો પુત્ર નબીલ આવ્યા હતા. પિતા-પુત્રોએ પીએસઆઈ સાથે ઉદ્ધત વર્તન કરી મહિલાની ફરિયાદ ન લેવા કહ્યું હતું.

ત્યાર બાદ PSIએ ત્રણેયને પોલીસ સ્ટેશનમાંથી બહાર જવા કહી મહિલાની ફરિયાદ સાંભળી લેવા જણાવ્યું હતું. ત્યારે ઇસ્માઇલે કહ્યું હતું કે, શેખ સાહેબ તમો અમને ઓળખતા નથી. મારો પુત્ર મઆજ ઈસ્માઈલ મલેક જંબુસરનો દાદો છે. તમને હવે અમે જંબુસરમાં શાંતિથી રહેવા દઈશું નહીં. એકલા નીકળશો તો જાનથી મારી નાંખીશું. તેમ કહી પિતા-પુત્ર PSI સાથે ગાળાગાળી અને ઝપાઝપી ઉપર ઊતરી આવ્યા હતા. PSI શેખે અન્ય પોલીસ સ્ટાફ બોલાવી તેમની મદદથી બંનેને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢ્યા હતા. બંને પિતા-પુત્રએ પોલીસ સ્ટેશનની બહાર પણ બખેડો કરી ઝપાઝપી કરતાં અન્ય પોલીસ કાફલાને બોલાવી બંને આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી.

‘ધંધો કરવો હોય તો સીધેસીધો કર્યા કર, હું અહીંનો દાદો છું’ કહી લાકડીથી હુમલો
કામરેજ: આંબોલીના સહકાર એપાર્ટમેન્ટમાં કામ કરતા ઈસમને ઓફિસની બહાર બોલાવી ત્રણ ઈસમ પૈકી એક ઈસમ હું અહીંનો દાદો છું તેમ કહીને લાકડીનો સપાટો માથામાં મારી લોહીલુહાણ કરી બીજા બે ઈસમે પણ માર માર્યો હતો. મૂળ રાજકોટના વીન્જીવડ ગામના વતની અને હાલ સરથાણા જકાતનાકા આશીર્વાદ રો હાઉસમાં મકાન નં.187માં જયસુખ નાનજીભાઈ સાવલીયા રહે છે. જેઓ બાંધકામનો ધંધો કરે છે. હાલમાં કામરેજના આંબોલી ગામે સહકાર એપાર્ટમેન્ટ બનાવી વેચાણ કરે છે. જે એપાર્ટમેન્ટમાં ખાલીદ સલીમ અસમાલ તેમજ ફારૂખ સુલેમાન અસમાલ (બંને રહે.,કઠોર) ભાગીદાર છે. બુધવારના રોજ સહકાર ટાઉનશીપ પાસે મયુદીન ઉર્ફે કલેજો તેમજ તેના બે મિત્રો ઓફિસ પાસે આવીને જયસુખને ઓફિસની બહાર બોલાવી હું તમારા એપાર્ટમેન્ટની પાસે બેસુ તો તમને કંઈ વાંધો છે? તેમ કહી અહીં ધંધો કરવો હોય તો સીધેસીધો કર્યા કર, હું અહીંનો દાદો છું તેમ કહીને ગાળો આપી હાથમાં રહેલી લાકડીનો સપાટો માથામાં મારી દેતાં લોહીલુહાણ થઈ હાલતમાં થઈ જતાં મયુદીન સાથેના બે અજાણ્યા ઈસમ પણ માર મારવા લાગ્યા હતા. બાદ ત્રણેય જતા રહ્યા હતા. જયસુખે ભાગીદારોને ફોન કરીને બોલાવતાં સારવાર માટે કઠોરની લોખાત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણેય ઈસમ સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top