Dakshin Gujarat

વાલિયા પોલીસ સ્ટેશનમાં એકઝાટકે PI સહિત 6 પોલીસકર્મીની બદલીથી ફફડાટ

ભરૂચ: હાલમાં જ વાલિયાના પીઆઈ (PI) સહિત વાલિયા, આમોદ અને ઉમલ્લા સાત પોલીસકર્મીઓની (Police) એકઝાટકે ભરૂચ (Bharuch) જિલ્લા પોલીસ વડાએ બદલી કરતાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. વાલિયા મહિલા પીઆઈની ભરૂચ લીવ રિઝર્વ પોલીસમાં બદલી કરી દેવાતાં અને રાઈટર સહિત પાંચ પોલીસકર્મીઓને નર્મદા નદીના પેલે પાર બદલી કરી દેવાનો ઓર્ડર (Order) કર્યો છે.

હાલમાં જ બનેલા બનાવોમાં વાલિયા પોલીસકર્મીઓ સામે વાલિયા ભાજપ નેતાગીરી પણ નાખુશ હોવાથી એમ કહેવાય છે કે, આખો મુદ્દો ગાંધીનગરમાં આ મુદ્દો પહોંચાડ્યો હતો. જે બાબતે ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તાત્કાલિક ધોરણે વાલિયાના પીઆઈ એસ.કે.ગામીતની ભરૂચ લીવ રિઝર્વમાં બદલી કરી હતી. જ્યારે વાલિયાના રાઈટર ગુલાબ વસાવાને કાવી પોલીસ, વાલિયાથી આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મયંક સેલર વેડચ પોલીસ, વાલિયાથી પોલીસકર્મી ભૂપેન્દ્ર વસાવાને આમોદ, વાલિયાથી પોલીસકર્મી ભરત વસાવાને આમોદ, પ્રતાપ વસાવાને વાગરા, આમોદ પોલીસના પ્રકાશ ઝાંજેને હેડ ક્વાટર્સ અને ઉમલ્લાના પરેશ વસાવાની જંબુસર બદલી કરવામાં આવી છે. ખાસ કરીને અગાઉ મયંક સેલરને વાલિયાથી હાંસોટનો બદલીનો ઓર્ડર રદ કરી વેડચ પોલીસમાં મૂકી દેવાનો ઓર્ડર કર્યો હતો.

73 એએની જમીન માટેના 29 પરિપત્ર સામે તાપી કલેક્ટર અને ડીડીઓ ધ્યાન આપતા નથી
વ્યારા: રાજ્ય સરકારે આદિવાસીઓની જમીન કોઈ લોભ લાલચ, ધાક-ધમકી કે અન્ય કોઈ રીતે સહેલાઈથી તબદીલ નહીં થઈ જાય તે એકમાત્ર હેતુથી આવી જમીનોને ૭૩એએના કાયદાના નિયંત્રણમાં લાવી આજદિન સુધીમાં લગભગ કુલ ૨૯ પરિપત્ર બહાર પાડ્યા છે. આ તમામ પરિપત્રોને કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓને અભ્યાસ અને અમલ માટે મોકલવામાં આવ્યા છે. આ પરિપત્રોમાં ૭૩એએની જમીનમાં કયા સંજોગોમાં શરત ભંગની કાર્યવાહી કરવાની થાય એ સ્વયં સ્પષ્ટ હોવા છતાં વ્યારાના ટીચકપુરામાં ૭૩એએની જમીનમાં ગેરકાયદે તાણી બંધાયેલા બાંધકામ મામલે પરિપત્રોનો અભ્યાસ કરી સીધી શરત ભંગની કાર્યવાહી કરવાની થાય કે નહીં તેનો નિર્ણય લેવાના બદલે તપાસ સમિતિ નિમી તપાસના નામે થિયેટરના માલિક પંકજ પાલાને આર્થિક નુકસાન થતું અટકાવવા તંત્રના ઉચ્ચ અધિકારીઓ ધમપછાડા કરી રહ્યા છે, તે હવે સ્પષ્ટ થઇ ગયું છે.

૭૩એએના કાયદા અંગેના રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના ૨૯ પરિપત્ર પૈકીના છેલ્લા તા.૧૮/૩/૨૦૦૬ના સંકલિત પરિપત્ર નં.અદજ/૧૦૨૦૦૩/૨૬૩૨/જના નિયમ ૨૪માં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, આદિવાસીની જમીન જે પ્રામાણિક હેતુ માટે લીધી હોય એ હેતુ માટે એ જમીનનો ઉપયોગ કરવાનો રહે છે. આ નિયમમાં દાખલો આપી સમજ આપવામાં આવી છે કે, ઔદ્યોગિક હેતુ માટે પરવાનગી આપવામાં આવી હોય અને કોઈ કોમર્શિયલ કે રેસિડેન્શિયલ ઉપયોગ કરે તો એ કાયદાના હાર્દ સાથે સુસંગત નથી. માટે આવી જમીન માટે શરત ભંગની કાર્યવાહી કરવાની થાય છે. આ પરિપત્રના નિયમ-૨૨ અને ૨૩ મુજબ ૭૩એએની જમીનમાં શરત ભંગની કાર્યવાહી કલેક્ટરે કરવાની થાય છે. વળી, આવી જમીન ભાડા પટ્ટે કે લીઝથી તબદીલ કરવા માટે પણ સરકારની પૂર્વ મંજૂરી આવશ્યક છે. ઉપરાંત આ પરિપત્રના નિયમ ૧ અને ૨માં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોઈપણ સ્થળે આદિજાતિના લોકોએ ધારણ કરેલી જમીન કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર તબદીલ કરવા પર પ્રતિબંધ છે.

ટીચકપુરાના બ્લોક નં.૩૬વાળી ૭૩એએની જમીન ઔદ્યોગિક હેતુ માટે લઈ તેના પર થિયેટર, ગેમઝોન, હોટલ, દુકાનો વગેરે બાંધી દીધી છે. માટે તા.૧૮/૩/૨૦૦૬ના સંકલિત અદ્યતન પરિપત્રના નિયમ-૨૪નું સીધું ઉલ્લંઘન છે. તેથી શરત ભંગની કાર્યવાહી કરવાની થાય છે. ટીચકપુરાની બ્લોક નં.૩૭ અને ૩૮ વાળી જમીન કલેક્ટર અને સરકારની પરવાનગીને બાયપાસ કરી તલાટી અને મામલતદારે સીધી પંકજ પાલાના નામે કરી આપી છે. તે તા.૧૮/૩/૨૦૦૬ના અદ્યતન સંકલિત પરિપત્રના નિયમ ૧ અને ૨ના વિરુદ્ધ છે. માટે શરત ભંગની કાર્યવાહી કલેક્ટરે કરવાની થાય છે, તેવું પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. ૭૩એએના ૨૯ પરિપત્રો પૈકી ક્યાંય પણ એવું લખ્યું નથી કે ઉલ્લેખ નથી કે ૭૩એએની જમીનમાં શરત ભંગની કાર્યવાહી કરવાનો નિર્ણય તપાસ સમિતિ બનાવીને લેવાનો હોય છે. ૭૩એએના કાયદામાં આટલું સ્પષ્ટ હોવા છતાં ડીડીઓ અને કલેક્ટર કાયદો જાણતા હોવા છતાં પગલાં લેતા નથી. તપાસ સમિતિ રચી તપાસમાં વિલંબની નીતિ અપનાવી પંકજ પાલાને આર્થિક નુકસાન નહીં થાય એ માટે મામલાને રફેદફે કરવાના તમામ પ્રયાસો તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરાયા છે.

ડીડીઓ શું જાણતા નથી કે ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહીની જવાબદારી પંચાયત વિભાગની છે
વ્યારા: કોઇપણ ગામમાં ગેરકાયદે બાંધકામ થતું હોય તો તેની સામે કાર્યવાહી કરવાની પહેલી ફરજ તલાટીની બને છે. ટીચકપુરામાં હોટલ દર્શન બાંધવા માટે કલેક્ટરે મંજૂરી નથી આપી કે નગર નિયોજક પાસે પણ નકશો મંજૂર કરાવાયો નથી. તેમ છતાં આ હોટલને ગ્રામ પંચાયતના દફ્તર પર કાયદેસર ચઢાવી દેવામાં આવી છે. ગ્રામ પંચાયતે દાખલો આપતાં આ હોટલને વીજળી કનેક્શન અપાયું છે. હોટલ ગેરકાયદે હોવા છતાં તલાટી કાર્યવાહી કરતા નથી. છતાં જિલ્લા વિકાસ અધિકારી ચૂપ બેઠા છે. જિલ્લા વિકાસ અધિકારીએ એ યાદ રાખવું જોઈએ કે, જમીન કોઈપણ હોય ગેરકાયદે બાંધકામને અટકાવવાની અને તેની સામે કાર્યવાહી કરવાની જવાબદારી પંચાયત વિભાગની છે.

Most Popular

To Top