સુરત : કતારગામ (Katargam) પોલીસે (Police) નાઇટ પેટ્રોલિંગ (Night Petroling) દરમિયાન એક યુવક-યુવતીને અટકાવીને પુછપરછ કરી હતી, તે દરમિયાન બીજા બે યુવકોએ આવીને પોલીસ સાથે જીભાજોડી કરી પોલીસ વર્ધીનું બટન તોડી નાંખ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો (Complaint) નોંધીને માતા-પુત્ર સહિત ચારની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ પોલીસમાં ફરજ બજાવતા રાહુલ રાવતભાઇ હુંબલ નંદુડોશીની વાડીમાં સ્વામી ગલ્લા પાસેના ત્રણ રસ્તા ઉપર નાઇટ રાઉન્ડમાં નીકળ્યા હતા. ત્યારે એક છોકરો અને છોકરી મોપેડ લઇને પસાર થયા હતા. પોલીસે તેઓને અટકાવીને પુછપરછ કરી હતી. દરમિયાન ત્યાં અનિકેત નામનો યુવક આવ્યો હતો અને પોલીસની સાથે ગાળાગાળી કરવા લાગ્યો, અનિકેતે કહ્યું કે, ‘ચાલ તને બતાવું છું હું કોણ છું’ તેમ કહીં બીજા બે યુવકોને બોલાવ્યા હતા. આ ત્રણેય યુવકોએ ભેગા થઇને પોલીસની સાથે ઝપાઝપી કરી પોલીસ વર્ધીનું બટન તોડી નાંખ્યું હતું. આ દરમિયાન અનિકેતની માતા સંગીતાબેન પણ ત્યાં આવી ગયા હતા અને તેઓએ પણ પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. આ બાબતે પોલીસ કંટ્રોલમાં ફોન કરવામાં આવતા પોલીસે કતારગામ ધ્રુવ તારક સોસાયટીમાં રહેતો અનિકેત રાકેશભાઇ રાઠોડ, ફુલપાડા મહાકાળી પાર્કમાં રહેતો જેમીન ઉદયભાઇ શાહ, સુજીત તેમજ કતારગામ ધ્રુવતારક સોસાયટીમાં જ રહેતી સંગીતાબેન રાકેશભાઇ રાઠોડની સામે મારામારી અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.
ચેક રિર્ટનના કેસમાં વેપારીને છ મહિનાની કેદ
સુરત : ચેક રિર્ટનના કેસમાં વેપારીને છ મહિનાની કેદની સજાનો હુકમ કરાયો હતો. આ કેસની વિગત મુજબ પાંડેસરામાં અગ્રવાલ ટ્રેડિંગના નામે વેપાર કરતા વેપારી પવન બિરેન્દ્રકુમાર અગ્રવાલ પાસેથી ભેસ્તાનમાં સાંઇ કિરાણા એન્ડ પ્રોવિઝન સ્ટોરના નામે વેપાર કરતા વેપારી વિશાલ રમેશચંદ્ર માંજરાવાલાએ રૂા.2.29 લાખનો માલ ખરીદ કર્યો હતો, જેની સામે વિશાલ માંજરાવાલાએ ચેકો આપ્યા હતા. પરંતુ આ ચેક રિર્ટન થતાં પવનભાઇએ વકીલ અજય વેલાવાલા મારફતે કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ ચાલી જતાં કોર્ટે વિશાલ માંજરાવાલાને તક્સીરવાર ઠેરવીને 6 મહિનાની કેદની સજા તેમજ ચેકની રકમ વળતર સ્વરૂપે ફરિયાદીને ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.