સાયણ: સુરત (Surat) જિલ્લા એલ.સી.બી. પોલીસ (Police) અને ઓલપાડ પોલીસે દેલાડ ગામે ઓરિસ્સાવાસી શ્રમજીવીની હત્યાના બે ઓરિસ્સાવાસી સગા ભાઈને દબોચી ગણતરીના દિવસોમાં દબોચી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ગત તા.૦૧/૦૬/૨૦૨૩ના રોજ સવારના સુમારે ઓલપાડના દેલાડ ગામની ગણેશ ઇન્ડસ્ટ્રીઝના કારખાના સામે આવેલ શેરડીના ખેતરમાં મૂળ ઓરિસ્સાના ગંજામનો શ્રમજીવી રોહિત રામચંદ્ર બહેરા (ઉં.વ.૪૦) ગંભીર ઇજા પામેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી રોહિત બહેરાને સુરત ખાતેની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતાં પ્રાથમિક સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જ્યારે મૃતકના માથા, ગળા તથા મોંઢાના ભાગે તથા શરીરે અન્ય જગ્યાએ ગંભીર ઇજા થઈ હોવાથી મૃતકના ભાઈની ફરિયાદના પગલે ઓલપાડ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ તપાસમાં સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસ પણ જોડાતાં પોલીસે ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ જુદાં-જુદાં કાપડનાં કારખાનાંમાં લાગેલા સી.સી.ટી.વી.ના ફૂટેજની ચકાસણી ઉપરાંત કારખાનામાં કામ કરતા માસ્તર, કારીગરોની પૂછપરછ કરી હતી. આ તપાસ બાદ પોલીસે ગુનામાં સંડોવાયેલા બે સગાભાઈ આરોપીઓ પૈકી ગંજામનો ટુકુના ઉર્ફે ઓમ દુર્યા બહેરા (ઉં.વ.૩૦) તથા નંદા ઉર્ફે રામ દુર્યા બહેરા (ઉં.વ.૩૩) (બંને હાલ રહે.,દેલાડ, ગણેશ ઇન્ડસ્ટ્રીઝ,બાપા સીતારામ ટેક્ષટાઇલ્સની રૂમમાં)ને દબોચી લીધા હતા.
પોલીસે બંને આરોપીની કડક પૂછપરછ કરતાં તેમણે કબૂલાત કરી હતી કે, રોહિત બહેરા છેલ્લા ત્રણ દિવસથી દેલાડ ગામે આવ્યો હતો. તેનો પરિવાર ઓરિસ્સા રહે છે અને તેનો નાનો ભાઈ હાલ સાયણમાં અલગ રહે છે. તેઓ ગણેશ ઇન્ડસ્ટ્રીઝના બાપા સીતારામ ટેક્સટાઇલ્સમાં કાપડના કારખાનામાં અમારી સાથે મજૂરી કામ કરી કારખાનાની અગાસીની રૂમમાં સાથે જ રહેતા હતા. ગત તા.૩૧/૦૫/૨૦૨૩ના રોજ બપોરે ટુકુના ઉર્ફે ઓમ તથા તેનો ભાઇ નંદા ઉર્ફે રામ બહેરા રૂમ ઉપર આરામ કરતા હતા. ત્યારે રોહિત તેના મિત્ર સાથે રૂમ ઉપર આવ્યો હતો અને સૂઇ ગયેલા બંને ભાઈઓને ઊંઘમાંથી જગાડી ખલેલ પહોંચાડી હતી. જેથી ઊંધ બગડતાં બંને ભાઈઓને રોહિત અને તેની સાથે આવેલા ઇસમ સાથે બોલાચાલી થઈ હતી.
બાદ રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે બંને ભાઈઓ અને રોહિત કારખાનાની સામે આવેલા શેરડીના ખેતરાડી રસ્તા ઉપર ભેગા થતાં ફરી ઝઘડો થયો હતો. એ સમયે ઝપાઝપી દરમિયાન ટુકુના ઉર્ફે ઓમ બહેરા સંચા મશીનમાં વપરાતો ફટકો લઇ આવ્યો હતો અને રોહિતના માથામાં મારી દીધો હતો. જ્યારે તેના ભાઈ નંદા બહેરાએ રોહિતના ગળાના ભાગે ચપ્પુ વડે ઘા કરી જીવલેણ ઇજા પહોંચાડી બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ગુનામાં બંને સગા ભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.