કામરેજ: સગીર વયની તરૂણીને પ્રેમજાળમાં ફસાવીને લઈ ગયા બાદ તરૂણીની માતાએ કામરેજ પોલીસ મથકમાં (Police Station) નોંધાવેલી ફરિયાદના આધારે તરૂણીને ભગાડી જનાર યુવાનને જેલની (Jail) હવા ખાવાનો વારો આવ્યો હતો. જોકે આ યુવાન જામીન પર છુટી જતાં તેણે ‘પોલીસ અને કોર્ટે અમારું શું કરી લીધું’ તેમ કહીને ધમકી (Threat) આપતા તરૂણીની માતાએ કામરેજ પોલીસ મથકમાં યુવાન અને તેના માતા પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.
- વેલંજામાં સગીર તરૂણીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનાર યુવાને જામીન પર છુટતાની સાથે જ તરૂણીને ધમકીઓ આપી
- યુવતી ઘરની વસ્તુ લેવા માટે ગઈ ત્યારે યુવાને કહ્યું હતું કે પોલીસ અને કોર્ટે અમારું શું કરી લીધું? ફરી પોલીસ ફરિયાદ
મુળ અમરેલી જિલ્લાના અને હાલ ઓલપાડના ઉમરા ગામે સોસાયટીમાં રહેતા પરિવારની પુત્રી જીયા(નામ બદલ્યુ છે)ને અગાઉ કામરેજ તાલુકાના ઘલુડી ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેતા હતા ત્યારે એજ સોસાયટીમાં રહેતો યુવાન પ્રેમજાળમાં ફસાવીને જીયા એક વર્ષ અગાઉ ભગાડી ગયો હતો. જે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદની યુવાનને ખબર પડી જતાં ફરાર થઈ ગયો હતો.
પોલીસ યુવાનને પકડવા માટે તેના ઘરે જતાં મળી આવ્યો ન હતો. યુવાનના માતા પિતા પણ અગાઉ પોલીસ કેસમાં જેલમાં જઈ આવ્યા હોવાથી કાયદાના વાકેફ હોવાથી જીયાની માતા માંગરોલ તાલુકાના લિમોદ્રા ગામે આવેલી વાડીમાં મજુરી કામ કરવા માટે જતાં નવી પારડી પાસે અટકાવીને યુવાનના પિતા ગાળો આપી કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી આપી હતી. જોકે બાદમાં યુવાનને પોલીસે પકડી પાડયો હતો અને ત્રણ મહિના જેલમાં રહ્યાં બાદ છુટીને આવ્યા બાદ જીયા વેલંજા રંગોલી ચોકડી પાસે ઘરની વસ્તુ લેવા માટે ગઈ હતી જ્યાં યુવાને જીયા પાસે જઈને મારી નાંખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું પોલીસ કે કોર્ટે અમારું શુ કરી લીધું ? આ અંગે કામરેજ પોલીસ મથકમાં યુવાન અને તેના માતા પિતા સામે ફરિયાદ નોંધાવાઈ હતી.