વ્યારા: સોનગઢના પોલીસ (Police) કર્મચારીઓ બુટલેગરો પાસેથી નાણાં ઉઘરાવતા હોવાનું માલૂમ પડતાં આ ઉઘરાણી કોના ઈશારે થઇ રહી છે તેવી માહિતી પૂછતો વિડીયો (Video) બનાવતા શખ્સને સોનગઢના મેઢા ગામેથી ઊંચકી જઈ ઢોર માર માર્યો હોવાની સાથે જાતિવિષયક ગાળો બોલી તેને ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી પ્રતાપભાઈ, ઉમેશભાઈ, દશરથભાઈ, સુરેશભાઇ નામના આ ચાર જેટલાં પોલીસ કર્મીઓએ આપી હોવાના ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ મેઢા ગામના દાદરી ફળિયાના સુરેન્દ્ર છોટીયાભાઈ ગામીતે તાપી જિલ્લા પોલીસ વડાને કરતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
પોલીસકર્મી પ્રતાપે તેના મોબાઈલનું લોક ખોલી ફોર્મેટ મારવાનું કહ્યું, પણ તેણે પગે પડી પોતાની છોકરીના ફોટા અને ડોક્યુમેન્ટ હોવાથી એવું નહીં કરવા વિનંતી કરી હતી. પોલીસકર્મી પ્રતાપનો ઉતારેલો વિડીયો ડીલીટ મારી મોબાઈલ તેને પરત આપી દીધો હતો. ખોટું માફીપત્ર લખાવી તેની સહી પણ કરાવી લીધી હતી. ઇજાગ્રસ્ત સુરેન્દ્ર ગામીતે ત્યાર બાદ સોનગઢ રેફરલ હોસ્પિટલ પર સારવાર લીધી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
વધુમાં ઉમેર્યુ છે કે, ગત તા.૧૮ જાન્યુઆરીએ બપોરે ૨:૩૦ વાગ્યાના અરસામાં સોનગઢના પોલીસકર્મી પ્રતાપભાઈ મેઢા ગામે દારૂ વેચનાર બુટલેગરો પાસેથી રૂ.૫૦૦ અને ક્વોટરિયા વેચનારાઓ પાસે રૂ.૧૫૦૦ની ઉઘરાણી કરવા માટે આવ્યા હતા. તેઓ નાણાંની ઉઘરાણી કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સુરેન્દ્ર ગામીતે મોબાઈલમાં વિડીયો ચાલુ કરી તેમને પૂછ્યું કે, “તમે હપ્તાના પૈસા કોના કહેવાથી લેવા આવ્યા છો અને કોણે તમને અહીં મોક્લ્યા છે ? તેટલું પૂછતા જ પ્રતાપભાઈ અકળાઈ ગાળો બોલતાં તેનો મોબાઈલ હાથમાંથી ખેંચી લીધો હતો. અન્ય પોલીસ કર્મચારી દશરથભાઈને ફોન કરી ત્યાં આવવાં જણાવ્યું હતું.
પ્રતાપભાઈએ કહ્યું કે, “તેં ગામમાં દારૂ બંધ કરાવવાનો ઠેકો લીધો છે. આવા લફરામાં શું કામ પડે છે. તારી જમીન છે તો ચૂપચાપ ખેતી કર્યા કરને, અમે ગમે તે કરીએ, તને શું વાંધો છે’. થોડી જ વારમાં મલંગદેવ બીટ જમાદાર ઉમેશભાઈ પોતાની ખાનગી ગાડી લઇ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યાંથી સુરેન્દ્ર ગામીતને પોલીસકર્મી પ્રતાપભાઈ તથા ઉમેશભાઈએ કોલર પકડી ગાડીમાં નાંખી ગાળો ભાંડતાં સોનગઢ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.
કોઈક અંધારી ઓરડીમાં લઈ જઈ દશરથ, પ્રતાપ, સુરેશ આ ત્રણેયે એક પછી એક ગંદી ગાળો બોલી પટ્ટાથી હાથમાં અને પગમાં ફટકા મારતા હતા. સુરેશે તેને જમણા ગાલે ૩-૪ થપ્પડ મારી હતી. જમણી આંખમાં તકલીફ છે મને મારશો નહીં તેવું કહેતાં દશરથ, પ્રતાપ અને સુરેશે તેને જાતિ વિષષક ગાળો બોલી ડાબા ગાલ, કાન અને માથાના ભાગે માર માર્યો હતો. આ પોલીસ કર્મચારીઓ તેઓને ગાળો બોલી મારતા હતા અને વાળ ખેંચતા હતા. આદિવાસીઓના હાથમાં મોબાઈલ આવી જાય એટલે પોતાની જાતને રિપોર્ટર સમજી વિડીયો બનાવવા બેસી જાય છે. પૈસા લઈએ એમાં તારું શું લુંટાઈ જાય છે. તારી જોડે થોડા રૂપિયા માંગ્યા છે તેવું કહેતા હતા. સુરેશે તેને જમીન પર પાડી માર માર્યો હતો. દશરથ બોલતો હતો કે, આને કોઈ ગુનામાં સંડોવી એની ગાડીબાડી ઊંચકી ફસાવી દેવો પડશે.