હથોડા : કીમ ચાર રસ્તા નજીક રોડ ક્રોસ કરતા યુવાન ઉપરથી ડમ્પર ફરી વળતા શરીરના અંગો (Body Parts) બહાર આવી ગયા હતા. યુવાન જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હાલતમાં સારવાર માટે સુરત (Surat) ખસેડાયો હતો. કીમ ચાર રસ્તા ખાતે રોડ ક્રોસ કરતા યુવાનને પુરપાટ ઝડપે પસાર થતા ડમ્પરના ચાલકે અડફેટમાં લેતા અને ડમ્પર યુવાનના પેટ અને હાથ પરથી ફરી વળતા કચડાયેલા યુવાનના શરીરના અંગો બહાર આવી ગયા હતા. યુવાન જીવંત હોય તરફડીયા મારતી હાલતે 108 એમ્બ્યુલન્સમાં સુરત સારવાર માટે ખસેડ્યો હતો.
ઘટનાની મળતી વિગત મુજબ અજાણ્યો યુવાન કીમ ચાર રસ્તા નજીક રોડ ક્રોસ કરતો હતો. ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા જીજે 05 બી યુ 1271 નંબરના ડમ્પરના ચાલકે યુવાનને અડફટે લેતા ડમ્પર યુવાનના પેટ પરથી ફરી વળતા કચડાયેલા યુવાનના શરીરના અંગો બહાર આવી ગયા હતા. તે જીવંત હોય ગંભીર ઇજાને કારણે તરફડિયા મારી રહ્યો હતો. બનાવ ભરચક એરિયામાં બન્યો હોય ઘટના સ્થળે લોકો ભેગા થઈ ગયા હતા અને કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. લોકોએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા 108 એમ્બ્યુલન્સમાં યુવાનને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હાલતે સુરત સારવાર માટે ખસેડ્યો હતો. યુવાન ક્યાંનો છે તે તાત્કાલિક જાણી શકાયું નથી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ડમ્પરને ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. પાલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખોલવડ પાસે અજાણી મહિલાનો સડી ગયેલો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કામરેજ: ખોલવડમાં અજાણી મહિલાનો નગ્ન હાલતમાં સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. કામરેજ તાલુકાના ખોલવડ ગામની હદમાં ગ્રીન સિટીની બાજુમાં આવેલી એલીગેંઝા સોસાયટીના ખુલ્લા પ્લોટમાં શનિવારે રાત્રે અજાણી મહિલાનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં જોવા મળતાં કામરેજ પોલીસને જાણ કરાઈ હતી. આથી પીએસઆઇ પી.એમ.પરમારે સ્ટાફ સાથે દોડી જઈ તપાસ કરતાં મહિલા આશરે 30થી 35 વર્ષની હોવાનું બહાર આવ્યું હતું. મૃતદેહ છ દિવસ અગાઉનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મૃતદેહની બાજુમાં પીળા રંગનું ટોપ અને સફેદ રંગની સલવાર મળી આવી હતી. જે અંગે કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી લાશને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.