બીલીમોરા : બીલીમોરા (Billimora) પોલીસ સ્ટેશનને (Police Station) અડીને આવેલી રત્નદીપ સોસાયટીમાં રહેતા નિવૃત પોલીસ કર્મચારીના બંધ ઘરને (Home) નિશાન બનાવી દરવાજાનો નકૂચો તોડી ઘરમાંથી દોઢ લાખ રોકડા ચોરી કરી ગયા હતા.
પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી રત્નદીપ સોસાયટીમાં રહેતા નિવૃત એ.એસ.આઈ લક્ષ્મણભાઈ યાદવભાઈ સાળુંકે પોતાના વેવાઈ પક્ષમાં લગ્ન પ્રસંગ હોવાથી આખો પરિવાર ઘર બંધ કરીને મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તસ્કરોએ બંધ ઘરના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લોખંડના કબાટ પણ તોડીને સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. પરિવાર લગ્ન પ્રસંગ આટોપીને મંગળવારે જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે ઘરના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોયો હતો અને ઘરમાં તપાસ કરી તો કબાટમાં મુકેલા દોઢ લાખ રૂ. રોકડા ગાયબ હતા. જોકે એક અજાયબીની વાત એ પણ હતી કે તસ્કરોએ ઘરમાં રહેલા ચાંદીના દાગીનાને હાથ સુધ્ધા અડાડ્યો ન હતો. નિવૃત એ.એસ.આઈ લક્ષ્મણભાઈના બે પુત્રો પૈકી મોટો પુત્ર પોલીસ ખાતામાં પીઆઇ તરીકે ફરજ બજાવે છે, જ્યારે બીજો પુત્ર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. એવું લાગે છે કે તસ્કરોને હવે પોલીસનો પણ ડર રહ્યો નથી. પોલીસ સ્ટેશનની લગોલગ નિવૃત્ત પોલીસ કર્મચારીના ઘરને પણ તસ્કરો છોડતા નથી. આ અંગે પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની કોઈપણ ફરિયાદ નોંધાવા પામી નથી.
નવસારીના બંધ ઘરમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડા ચોરી ગયા
નવસારી : નવસારી જલગંગા સોસાયટીમાં બંધ ઘરમાંથી કેટલાક અજાણ્યા ચોર સોના-ચાંદીના દાગીના અને રોકડા ચોરી કરી નાસી ગયાના બનાવ બાબતે નવસારી ટાઉન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી રેલ્વે સ્ટેશન રોડ પર સૌરાષ્ટ્ર ચાલમાં જીવણભાઈ પાલજીભાઇ દાફડા તેમના પરિવાર સાથે રહે છે. જીવણભાઈનું અયોધ્યાનગર-2 માં મહેરપાર્ક જલગંગા સોસાયટીમાં ઘર આવ્યું છે. જ્યાં તેઓ દિવસ દરમિયાન આવ-જાવ કરતા હોય છે. પણ રાત્રી દરમિયાન તે ઘરમાં કોઈ હોતું નથી. જેથી ચોરટાઓએ તેમના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. ગત 25મીએ જીવણભાઈ તેમનું નવું ઘર બંધ કરી જુના ઘરે જતા રહ્યા હતા. ત્યારે મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોરે તેમના ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તે ચોરોએ ઘરના તમામ રૂમના કબાટો અને ડ્રોવરો ખોલી અંદાજે સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ્લે 2 થી 2.5 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયા હતા. આજે સવારે જીવણભાઈ તેમના નવા ઘરે ગયા ત્યાં તેમના ઘરનો દરવાજો તૂટેલો જણાયો હતો. જેથી તેમને અંદર જઈ જોતા ઘરમાં સામાન વેરવિખેર થઇ પડ્યો હતો. જીવણભાઈને ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે જીવણભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.