કામરેજ: મૂળ અમદાવાદના (Ahmedabad) ધંધુકાના અંબાપુરના વતની અને હાલ કામરેજમાં કેનાલ રોડ પર આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં મકાન નં.258માં પવન લવજી ડાભી રહે છે. ત્રણ દિવસ અગાઉ કામરેજ ચાર રસ્તા સૃષ્ટિ કોમ્પ્લેક્સમાં હાર્ડવેરની દુકાનમાંથી સ્ક્રૂ લઈ મોપેડ નં.(જીજે 05 એસએન 9712) ઉપર પીપોદરા પાસે માધવ દર્શન સોસાયટીમાં વાયરિંગ કામ માટે ગયા બાદ સાંજે 6 કલાકે ભાગીદાર અવિનાશ બાલા મારુ સાથે બંને અલગ અલગ મોટરસાઈકલ લઈ ઘરે આવવા માટે નીકળ્યા હતા.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં.48 પર આંબોલી ગામની સીમમાં બ્રિજ પર અવિનાશની મોટરસાઈકલને ઓટો રિક્ષામાં બેસેલા અજાણ્યા લાકડાનો સપાટો મારી જમીન પર પાડી દેતાં પવને પણ પોતાની મોપેડ ઊભી રાખી ભાગીદાર અવિનાશને બચાવવા માટે જતાં રિક્ષામાં સવાર ચાર અજાણ્યા ઈસમો પૈકી એક ઈસમ રિક્ષામાંથી લોખંડનો પાઈપ કાઢી મારવા લાગ્યો હતો. ત્યાર બાદ ચારેય અજાણ્યા પવનના ખીસ્સામાં મૂકેલા રોકડા 25000 રૂપિયા તથા ભાગીદાર અવિનાશના ખીસ્સામાં મૂકેલા રોકડા 9000 કાઢી લીધા હતા. આ ઘટના બનતાં બૂમાબૂમ કરતાં રિક્ષામાં સવાર ચારેય અજાણ્યા નાસી છૂટ્યા હતા. રિક્ષા જતાં પવને રિક્ષા નં.જીજે 05 8336 જોઈ લેતાં કામરેજ પોલીસમથકમાં ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી.
બારડોલીના અસ્તાન જીન કમ્પાઉન્ડમાં ચોરી કરવા આવેલા બે પૈકીનો એક તસ્કર પકડાયો
બારડોલી: બારડોલી રેલવે સ્ટેશનની સામે પાર આવેલા અસ્તાન ગામની સીમના વિવિધ ગોડાઉનો ધરાવતા અસ્તાન જીન કમ્પાઉન્ડ મુકામે ચોરી કરવાના ઇરાદે આવેલા બે તસ્કરો પૈકીનો એક સ્થાનિક યુવાનોની જાગૃતિના કારણે ઝડપાઈ ગયો હતો. સોમવારની રાત્રિના સમયે અસ્તાન જીન કમ્પાઉન્ડમાં આવેલા બારડોલીના ટાઈલ્સ અને સેનેટરી આઇટમના વિક્રેતાના ગોડાઉનમાં મધ્ય રાત્રિના સમયે આવેલા બે તસ્કરોએ ગોડાઉનનાં તાળાં તોડવાનો પ્રયાસ કરતા સામે રહેંતા એક રિક્ષાચાલકે અવાજ સાંભળી બૂમાબૂમ કરતા તસ્કરો ભાગી છૂટ્યા હતા. અચાનક બૂમાબૂમથી જાગી ઊઠેલા આસપાસના રહીશોએ હકીકત જાણી તપાસ કરતા આસપાસના તમામ વિસ્તારની ઝીણવટભરી તપાસ દરમિયાન એક તસ્કર જેનું નામ સુરેશ બાલુ કોકણી જાણવા મળતા તેને ભાગીને નજીકમાં આવેલી ગેસ કંપનીના ગોડાઉન પાછળ ઘાસમાં સંતાયેલી હાલતમાં ઝડપી લેવામાં સફળતા મળી હતી. જ્યારે અન્ય એક ઈસમ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ભારે મેથીપાક ચખાડી ઝડપાયેલા તસ્કરની વધુ પૂછપરછ દરમિયાન તેનો સાથી નાનુ ઉર્ફે અરબાસ નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું. બંને તસ્કર બારડોલીના તલાવડી વિસ્તારના રહીશો હોવાનું જાણવા મળતાં રાત્રે ઝડપાયેલા તસ્કરને બારડોલી પોલીસને સુપરત કરાયો હોવાનું જાણવા મળે છે.