ગાંધીનગર : રાજયમાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની નવી સરકાર (Government) બન્યા બાદ હવે વહીવટીતંત્રમાં ફેરફાર આવી રહયા છે. ગાંધીનગરમાં (Gandhinagar) સચિવાલયમા તથા જિલ્લાઓમાં ફેરફાર આવી રહયા છે. રાજયના ચીફ સેક્રેટરી પંકજકુમારનું છ માસનું એકસન્ટેશન 31મી જાન્યુ.એ પૂર્ણ થવા આવ્યું છે. જેના પગલે 1987 બેચના ગુજરાત કેડરના આઈએસ તથા હાલમા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારની હવે ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક થશે તે નિશ્વિત મનાય છે.
ગુજરાતના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફારો તોળાઇ રહ્યાં છે. ખાસ કરીને રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા જાન્યુઆરી 2023માં નિવૃત્ત થઇ રહ્યાં છે ત્યારે મહત્વની આ બે જગ્યાએ કોને મૂકવા તેની ગાંધીનરમાં સચિવાલયમા ચર્ચા શરૂ થઇ છે. વહીવટી અને પોલીસના વડા તરીકે હાલના બન્ને ઓફિસરોને વધુ એક્સટેન્શન આપવાની શક્યતા નહિવત જોવાઈ રહી છે ત્યારે સચિવાલયમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે ચીફ સેક્રેટરી તરીકે ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમારનું નામ પ્રથમ હરોળમાં છે, જ્યારે રાજ્યના ડીજીપી તરીકે અતુલ કરવલની શક્યતા જોવામાં આવે છે.
જો રાજકુમાર ચીફ સેક્રેટરી બનશે તો તેમના બન્ને વિભાગો ગૃહ અને ઉદ્યોગ ખાલી પડશે, જ્યારે પંચાયત વિભાગના અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રાને સચિવાલયની બહાર કોઇ જાહેર સાહસમાં ખસેડવામાં આવે તો તેમના હસ્તકના પંચાયત વિભાગની જગ્યા પણ ખાલી પડશે. સરકારમાં ગુજરાત મેટીટાઇમ બોર્ડ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ અને અન્ય જાહેર સાહસોમાં પણ અત્યારે વધારાના હવાલા છે. બીજી તરફ રાજ્યના પોલીસ વડા તરીકે આઇપીએસ અધિકારી અતુલ કરવલનું નામ મોખરે છે. હાલ તેઓ એનડીઆરએફના ડીજી તરીકે કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર છે. આશિષ ભાટિયાનું એકસન્ટેશન પણ જાન્યુ-2023માં પૂર્ણ થઈ રહયુ છે.
આગામી ફેબ્રુઆરીના મધ્યમાં વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે અને હાલ તમામ વિભાગના અધિકારીઓ બજેટની કામગીરીમાં વ્યસ્ત છે તેથી વિભાગીય બદલીઓ થવાની શક્યતા નહીંવત જણાય છે, કેમ કે બજેટ સત્ર પહેલાં વહીવટી બદલીઓ કરવામાં આવે તો બજેટની કામગીરી પર અસર પડે તેમ છે.વિધાનસભાના બજેટ સત્ર પછી સચિવાલય તથા જિલ્લાઓમાં ફેરફાર આવી શકે છે.