સુરત: રાંદેર (Rander) ખાતે રહેતા વેપારીઓને આયોજનબદ્ધ રીતે ત્રણ આરોપીએ ધંધામાં રોકાણ (Invest) કરવાની લાલચ આપી 1.95 કરોડની છેતરપિંડી કરી હતી. વેપારીઓ દ્વારા આ રૂપિયાની ઉઘરાણી કરાતાં તેમને ગેંગસ્ટર (Gangster) મારફતે મારવાની ધમકી (Threat) આપી હતી. આ સિવાય આરોપીઓએ બોગસ પેઢી અને બિલો મારફતે અલગ અલગ બેંક ખાતા (Bank Account) બનાવી જીએસટીની (GST) રકમ મેળવી છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાતાં ડીસીબીએ વધારે તપાસ હાથ ધરી છે.
- બોગસ બિલો પર બોગસ પેઢી ઊભી કરી રિફંડ મેળવવા અલગ અલગ બેંક ખાતાં ખોલાવી જીએસટી વળતર મેળવ્યું
- રૂપિયાની ઉઘરાણી કરી તો ગેંગસ્ટરો મારફતે ગેમ બજાવી જાનથી મારવાની ધમકી આપી
રોકાણ કરવાથી વધુ વળતર તથા નફો મળશે તેવી લાલચ આપી - માલની કોઇપણ અવરજવર વગર બોગસ બિલો ઉપર રિફંડ મેળવવા માટે ભાડુતી માણસોના નામે સુરતની અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ્સ ખોલાવ્યાં હતાં
- બોગસ બિલો આધારે જી.એસ.ટી. વળતર મેળવ્યું હતું
અડાજણ ખાતે નિશાંત સોસાયટીમાં રહેતા 58 વર્ષીય મોહંમદ અલી મોહંમદ યુનુસ જનરલે ક્રાઈમ બ્રાંચમાં ફિરોધ પરિયાણી, અલ્તાફ ઘાણીવાલા, નજીબ નેત્રંગવાલાની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ત્રણેય આરોપીએ પોતે કાપડનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતાં હોવાનું ખોટું ચિત્ર ઊભું કર્યું હતું. મોહંમદ અલીને કાપડનું સેમ્પલ બતાવી ધંધામાં રોકાણ કરવાથી વધુ વળતર તથા નફો મળશે તેવી લાલચ આપી હતી. મોહંમદ અલી તથા તેમના ઓળખીતા આદીબ નુરાની, ગુલએહમદ નુરાની પાસેથી કાપડના ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં રોકડા 90 લાખ રૂપિયા રોકાણ કરાવ્યું હતું. અને આ રોકેલી મુદ્દલ રકમ તથા ધંધાનો નફો મળી કુલ 1.95 કરોડ થાય છે. આ રકમ આરોપીઓએ રોકાણકાર વેપારીઓને આપી ન હતી. તેમની પાસે ઉઘરાણી કરતાં આરોપીઓએ ગેંગસ્ટરો મારફતે ગેમ બજાવડાવી દેશું તેમ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપીઓ દ્વારા બોગસ પેઢી બનાવી બોગસ બિલો ઉપર સરકારી કરની ચોરી કરવાના આશયથી અલગ અલગ માણસો ઊભા કરાયા હતા. માલની કોઇપણ અવરજવર વગર બોગસ બિલો ઉપર રિફંડ મેળવવા માટે ભાડુતી માણસોના નામે સુરતની અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ્સ ખોલાવ્યાં હતાં. અને બોગસ બિલો આધારે જી.એસ.ટી. વળતર મેળવ્યું હતું.