સુરત: સુરત (Surat) અને ભાવનગરમાં (Bhavnagar) પોલીસે (Police) કરેલી કથિત બોગસ બિલિંગ કૌભાંડની તપાસને લઈ વિરોધનો સૂર ઊઠ્યો છે. રેવન્યુ લોની મેટરમાં પોલીસના ગેરકાયદે પ્રવેશને લઈ ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ જીએસટી ઇન્સ્પેક્ટર એસોસિએશને સુરતમાં દેખાવો યોજી વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જીએસટી વિભાગની કામગીરીમાં પોલીસની વધી રહેલી દખલ મામલે સોમવારે સીજીએસટી ઇન્સ્પેક્ટર અને સુપરિન્ટેન્ડેન્ટ એસોસિએશન દ્વારા ચોક બજાર કચેરી ખાતે ધરણાં કરવામાં આવ્યાં હતાં.
અધિકારીઓએ કહ્યું કે, શહેરમાં કે હાઇવે પર પોલીસ માલવાહક વાહનો પકડે અને ડ્રાઈવર, ક્લીનર કે પાર્ટી પાસે પોલીસ ઇ-વે બિલ, ઇ-ચલણ અને જીએસટીનાં ડોક્યુમેન્ટ માંગે એ ગેરકાયદે છે. પોલીસને આ પ્રકારનાં ડોક્યુમેન્ટમાં માંગવાનો કોઈ અધિકાર નથી. જે ખરેખર જીએસટી વિભાગે માંગવાના હોય છે. પોલીસની કામગીરીમાં બિલ સહિતનાં રેવન્યુ ડોક્યુમેન્ટ માંગવાની કોઈ જોગવાઈ નથી. એસોસિએશનના અધિકારીઓએ ઇલાહાબાદ હાઇકોર્ટના ચુકાદા પણ રજૂ કર્યા હતા.
તાજેતરમાં સુરતની ઇકો સેલ પોલીસે 1200 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ પકડી જીએસટી રજિસ્ટ્રેશનથી લઈ ઇ-વે સુધીની વિગતો ચકાસી હતી, જે એનું કામ નથી. એવી જ રીતે ભાવનગર ક્રાઈમ બ્રાન્ચે પણ બોગસ બિલિંગ મામલે તપાસ કરી ડોક્યુમેન્ટ જપ્ત કર્યાં હતાં. અહીં ટ્રકો રોકીને પણ તપાસ કરવામાં આવી હતી.
ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ જીએસટી ઇન્સ્પેક્ટર એસોસિએશનના સભ્યોએ સોમવારે સુરતમાં ચોક બજાર ખાતે આવેલી જીએસટી કચેરીમાં ભોજનના વિશ્રામ દરમિયાન દેખાવો યોજ્યા હતા. કેટલાક અધિકારીઓએ દારૂની હેરફેર જીએસટી વિભાગ પકડતો હોવા છતાં ક્યારેય શ્રેય લેતો નથી. મોટા ભાગે સ્થાનિક પોલીસને આ મામલો એમની રીતે જોવા સોંપી દેવાય છે. ઇલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો કહે છે કે, રસ્તા પર પસાર થતી ટ્રક કે અન્ય માલવાહક ગાડીઓ હાઇવે પર રોકી ઇ-વે બિલ ઇ-ચલણ જીએસટીને લગતાં જે ડોક્યુમેન્ટ છે તે ચકાસવાની કામગીરી માત્ર જીએસટી વિભાગ જ કરી શકે.
