બીલીમોરા : બીલીમોરાના ખાડા માર્કેટ પાસે વડાપાઉંની લારી ચલાવનાર મહિલાને ભેટી ગયેલા ઠગે તેમણે પહેરેલા 1.56 લાખના સોનાના (Gold) દાગીના ઉતરાવીને રફુચક્કર થઈ જતા મહિલાએ પોલીસમાં ફરિયાદ (Police Complaint) આપી હતી.
વાઘરેચ કુંભારવાડામાં રહેતા લલીતાબેન મણીલાલ લાડ (58) ખાડા માર્કેટ પાસે વડાપાંઉની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ગુરુવારે બપોરે દોઢ કલાકે અજાણ્યો વ્યક્તિ તેમની પાસે આવીને ‘મેં સોના ચાંદીની દુકાન ખોલી છે એટલે અહીં કોઈ નજીકમાં મંદિર હોય તો મારે ભૂખ્યાઓને જમાડવા છે તો મને મંદિર બતાવો’ જેના જવાબમાં લલીતાબેને સોમનાથ મંદિર જવાનું જણાવ્યું હતું. જેથી આવેલા ઇસમે લલીતાબેનને રૂ.1 હજાર આપી જણાવ્યું કે તમે ભૂખ્યાને ખવડાવી દેજો તે સાથે તેણે રૂપિયા તેની સાથે એક પ્લાસ્ટિકની થેલીમાં ફૂલ હતા તે પણ લલીતાબેનને આપ્યા હતા. આ ફૂલ જોઈને લલીતાબેન ભાન ભૂલી ગયા હતા. જેથી આવેલા ઇસમે લલીતાબેને પહેરેલા સોનાનો અછોડા સાથે પેન્ડલ અને બંને હાથમાં સોનાના પાટલાને ફૂલ સાથે અડાડી દેશો તો તમારો ધંધો પુર બહારમાં ચાલશે, એવું કહેતા જ લલીતાબેનને તેમણે પહેરેલી ગાળાની ચેન પેન્ડલ હાથના બંને સોનાના પાટલા ઉતારીને ફૂલને અડાડી દીધા હતા. જે પછી આવેલા શખ્સે કરામત કરતા લલીતાબેને પહેરેલા દાગીના લઈને રફુ ચક્કર થઈ ગયો હતો.
થોડાક સમય પછી મહિલાને ભાન થતાં તેમણે થેલીમાં જોતા ફુલ સાથે થોડા પૈસા સિવાય બીજું કશું હતું નહીં. સોનાના દાગીના આવેલા ઠગે ચાલાકીથી લઈને ભાગી જતા લલિતાબેને પોલીસને લેખિત ફરિયાદ કરી છે. પોલીસે પણ ભોગ બનનાર મહિલાને એક શકમંદનો ફોટો બતાવતા આવેલો શખ્સને તે મળતો હોવાનુ તેમણે પોલીસને જણાવ્યું હતું. જોકે પોલીસના જણાવ્યા મુજબ ઉપરોક્ત વ્યક્તિ થોડાક સમયથી બીલીમોરા વિસ્તારમાં ફરતો હોય તેની જાળમાં ત્રણથી ચાર લોકોએ આવી સોનાના દાગીના ગુમાવ્યાનું જણાવ્યું હતું. પોલીસ ફોટાના આધારે તેને શોધી રહી છે. ભોગ બનનાર લલીતાબેન લાડે ત્રણ લાખથી વધુના સોનાના દાગીના ગુમાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.