બારડોલી: બારડોલીના (Bardoli) રામજી મંદિર નજીક ‘મારા મિત્રની બહેનનું કેમ નામ લે છે?’ કહી ત્રણ શખ્સોએ એક યુવક પર ચપ્પુ (Knife) વડે હુમલો (Attack) કર્યો હતો. બચાવવા ગયેલા ઇજાગ્રસ્ત યુવકની ફોઇના છોકરા પર પણ ચપ્પુથી હુમલો કરી તેનાં માતા-પિતાને ઢીકમુક્કીનો માર માર્યો હતો. એકસાથે બે યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો થવાની ઘટના સીસીટીવીમાં (CCTV) પણ કેદ થઈ હતી. પોલીસે (Police) એક મહિલા સહિત ચાર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- મોપેડની ડીકીમાંથી ચપ્પુ લાવી હસનના પેટમાં અને છાતીમાં હુલાવી દીધું
- છોડાવવા વચ્ચે પડતાં અરબાઝ મન્સૂરીએ ચપ્પુ અલફાઝના પેટ અને છાતીમાં મારી દીધું
આ અંગે બારડોલીના રામજી મંદિર પાસે આવેલા ખાડામાં રહેતા અસ્ફાક સફી શેખે આપેલી ફરિયાદ મુજબ સોમવારે રાત્રે તેના મામાનો છોકરો હસન ક્યુમ મન્સૂરી સાથે ફળિયામાં રહેતો અરબાઝ રફીક મન્સૂરી અને તેના બે મિત્ર કનઈ તેમજ ઇમ્તિયાઝ ઉર્ફે બાબો બોલાચાલી કરી રહ્યા હતા. અરબાઝ મન્સૂરી હસનને “મારા મિત્રની બહેનનું કેમ નામ લે છે” તેમ કહી ગાળાગાળી કરી માર મારવા લાગ્યો હતો. બાદ તે મોપેડની ડીકીમાંથી ચપ્પુ લાવી હસનના પેટમાં અને છાતીમાં હુલાવી દીધું હતું. હસને બૂમાબૂમ કરતાં અસ્ફાક, તેના ફુવા સફીભાઈ શેખ, ફોઇ નસીમ અને ફોઇનો છોકરો અલફાઝ તથા માતા સાયરા ત્યાં દોડી આવ્યા હતા અને છોડાવવા વચ્ચે પડતાં અરબાઝ મન્સૂરીએ ચપ્પુ અલફાઝના પેટ અને છાતીમાં મારી દીધું હતું.
અસ્ફાકને ચપ્પુ મારવા જતાં તે ખસી ગયો હતો. બાદ અરબાઝની માતા હસીના પણ દોડી આવી ગાળાગાળી શરૂ કરી હતી. સફીએ ગાળાગાળી ન કરવા જણાવતાં અરબાઝ મન્સૂરી ઉશ્કેરાઈ ગયો હતો અને સફીને લાકડાના સપાટા મારી દીધા હતા. બચાવવા ગયેલી નસીમને પણ લાફા મારી દીધા હતા. લોકો એકત્રિત થઈ જતાં અરબાઝ મન્સૂરી અને તેના બે મિત્રો જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ અંગે બારડોલી ટાઉન પોલીસે અસ્ફાકની ફરિયાદના આધારે અરબાઝ રફીક મન્સૂરી, કનઈ, ઇમ્તિયાઝ ઉર્ફે બાબો અને હસીના રફીક મન્સૂરી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.