સુરત : ચોકબજાર (Chowk Bazar) ખાતે રહેતી યુવતી ઘર પાસે આવેલા સ્ટોનની (Stone) દુકાને સ્ટોનની ખરીદી કરવા માટે ગઈ હતી ત્યારે દુકાનદારે યુવતી પર દાનત બગાડી તેનો હાથ પકડી દુકાનની અંદર ખેંચી લીધી હતી. યુવતીને શારીરિક અડપલાં કરતા યુવતી ધક્કો મારી ઘરે ભાગી ગઈ હતી. બાદમાં પરિવારમાં (Family) જાણ કરતા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી.
- દુકાનદાર છેલ્લા 4 મહિનાથી યુવતીને પ્રેમસંબંધ બાંધવા દબાણ કરતો હતો
- શારીરિક અડપલાં કરતા યુવતી ધક્કો મારી ઘરે ભાગી ગઈ
ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કોઝવે રોડ પર જમના પાર્ક સોસાયટીમાં રહેતો 38 વર્ષીય ભાવેશ હરીભાઈ ટાપણિયા ચોકબજાર વિસ્તારમાં સ્ટોનની દુકાન ધરાવે છે. તેની દુકાને છેલ્લા છ મહિનાથી ખરીદી કરવા માટે આવતી યુવતી પર તેણે દાનત બગાડી હતી. યુવતી દુકાને સ્ટોન ખરીદવા આવતી હોવાના કારણે બંને વચ્ચે વાતચીત થતી હતી. છેલ્લા ચાર મહિનાથી ભાવેશ યુવતીને પ્રેમસંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. પરંતુ યુવતી તેના તાબે થતી નહોતી. બે દિવસ અગાઉ યુવતી તેની દુકાને સ્ટોનની ખરીદી કરવા માટે ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી ભાવેશે તેણીનો હાથ પકડી લઇ તેને દુકાનમાં ખેંચી લીધી હતી અને અડપલાં શરૂ કર્યા હતા. જેથી હેબતાઈ ગયેલી યુવતી તેને ધક્કો મારી ત્યાંથી નીકળી ગઈ હતી અને ઘરે જઈ બીજા દિવસે સઘળી હકીકત પરિવારને જણાવતા બાદમાં ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ગોડાદરામાં ટેમ્પો અડફેટે પુત્રીની નજર સામે જ પિતાનું કરૂણ મોત
સુરત : ગોડાદરા જ્ઞાન જ્યોત સ્કુલ નજીક ટેમ્પો ચાલકે પિતા-પુત્રીને અડફેટે લેતા પિતાનું મોત નિપજ્યું હતું. શાકભાજીનો ધંધો કરતા પિતા પુત્રીને સાળીના ઘરેથી લઇને પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પર્વતગામ ખાતે આવેલા ગોકુળ નગરમાં રહેતા ગોપાલભાઈ વનાભાઇ મકવાણા (ઉ.વ.45) અને પુત્રી રોશની ગોપાલ મકવાણા (ઉ.વ.16) ગઈકાલે એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. ગોડાદરા પાસેની જ્ઞાન જ્યોત સ્કુલ પાસેના ચાર રસ્તા નજીકથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એક ટેમ્પો નં. GJ-05- 8554નાં ચાલકે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
જેના કારણે પિતા પુત્રી રોડ પર પટકાતા તેઓને ઈજાઓ પહોંચી હતી. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ગોપાલભાઈનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર પુત્રી રોશની આસપાસ ખાતે રહેતી તેની માસીના ઘરે ગઇ હતી. જેથી પિતા ગઈકાલે તેને લેવા માટે ગયા હતા અને પુત્રીને લઈને ઘરે આવી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે અને તેઓ શાકભાજીનો ધંધો કરતા હોવાનું વધુમાં જાણવા મળ્યું છે. બનાવ અંગે ગોડાદરા પોલીસે ટેમ્પો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.