SURAT

યુવતીને પડોશમાં રહેતા ડિવોર્સી યુવક સાથે પ્રેમ સંબંધ હતો પરિવારે સંબંધનો વિરોધ કર્યો તો પ્રેમીએ…

સુરત : માનદરવાજા ખાતે રહેતી અને શિક્ષિકા (Teacher) તરીકે નોકરી (Job) કરતી યુવતીના પડોશમાં રહેતા ડિવોર્સી ભૂતપૂર્વ પ્રેમીએ તેની સાથેના ફોટો (Photo) બતાવી સગાઈ તોડાવી નાખી હતી. અને જો બીજે સગાઈ કરશે તો ત્યાં પણ ફોટો મોકલી સગાઈ તોડાવવા ધમકી આપતા અંતે પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવી હતી. સચિન ખાતે યુવતીને ગળા પર કટર ફેરવીને મારી નાંખવાની ઘટના પછી પોલીસ હવે આવા ગાંડા આશિકોને સીધા દૌર કરવા માંગે છે. પોલીસ કમિશ્નર અજય તોમરે આવી કોઇ ફરિયાદ મળે તો તમામ પોલીસ મથકોને ત્વરીત કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. જેથી ગ્રીષ્મા જેવી ચકચારી હત્યા કાંડની ઘટનાને રોકી શકાય.

સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ માનદરવાજા ખાતે પરિવાર સાથે રહેતી 23 વર્ષીય નિધી (નામ બદલ્યું છે) ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. સાથે જ તે એમ.એ.નો અભ્યાસ કરે છે. નિધીને છેલ્લા પાંચ વર્ષથી પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ યુવક બેકાર હોવાની સાથે ડિવોર્સી છે. નિધી આ યુવક સાથે ફરવા જતી ત્યારે ફોટા પણ પાડતા હતા. એકાદ વર્ષ પહેલા બંનેના પ્રેમસંબંધની જાણ નિધીના પરિવારને થઈ હતી. જેથી ત્રણ મહિના પહેલા નિધીએ નિલેશ સાથે બ્રેકઅપ કરી દીધું હતું. નિધીની દોઢ મહિના પહેલા સગાઈ નક્કી થઈ હતી. જેથી નિલેશ તેના મંગેતર પાસે પહોંચ્યો હતો. અને બંને પ્રેમમાં હોવાનું કહીને તેની સાથેના જુના ફોટા બતાવી સગાઈ તોડાવી નાંખી હતી. બાદમાં નિધીને બીજે સગાઈ કરશે તો ત્યાં પણ આ ફોટો બતાવી સગાઈ તોડાવી નાખવાની ધમકી આપી હતી.

નિલેશની આ હરકત પછી નિધીના પરિવારે નિલેશના પરિવાર સાથે સમાધાન માટે મિટિંગ કરી હતી. ત્યારબાદ નિલેશે બધા ફોટો ડીલીટ કરી નાખ્યા હતા. જોકે થોડા દિવસ બાદ નિલેશનો મિત્ર ચંદન ઉર્ફે સન્ની રાજીવકુમાર સિંગ શિવાનીના ઘરે આવ્યો હતો. અને નિલશે બધા ફોટા મને વ્હોટ્સએપ કરી સાચવવા કહ્યું છે. તેણે બધા ફોટા પણ બતાવ્યા હતા. નિલેશે ત્યારપછી પણ નિધીનો પીછો કરવાનું ચાલુ રાખતા અંતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નિલેશ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top