સુરત: સુરતમાં (Surat) ડુમસ પોલીસની (Dummas Police) સરાહનીય કામગીરી સાથે પ્રાણી પ્રેમ સામે આવ્યો છે. ડુમસ બીચ ઉપર ઘવાયેલી હાલતમાં ઊંટ (Camel) અને ઘોડાઓ (Horse) પર પ્રવાસીઓની સવારી કરાવી રોજગારી મેળવતા પ્રાણી માલિકી નિર્દયતા સામે પોલીસે લાલ આંખ કરી છે. જાગૃત નાગરિકની માહિતી બાદ પોલીસે બીચ પર પહોચી 8 જેટલા ઘોડા અને ઊંટ ને ઇજાગ્રસ્ત હાલતમાં જોઈ જીવદયા પ્રેમીઓની મદદથી પ્રાણીઓની તાત્કાલિક સારવાર કરાવી હતી. એટલું જ નહીં પણ પ્રાણીઓના માલિકોને પુરતી તકેદારી રાખવા કડક સુચના આપી હતી.
સુરતમાં ડુમસ બીચ સહેલાણીઓ માટેની પહેલી પસંદ રહી છે. વિક એન્ડ અને વાર તહેવારે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ડુમસ બીચ ખાતે હરવા ફરવા જાય છે. દરિયા કિનારે ઘોડા- ઊંટ સવારી કરી આનંદ માણતા હોય છે. જોકે આ તમામ પ્રાણીઓ ઇજાગ્રસ્ત હાલતમાં માલિકોને આવક રળી આપતા હોવાનું એક જાગૃત નાગરિકે જોયા બાદ મૂંગા પ્રાણીઓ ની મદદ માટે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.
અંકિત સોમૈયા (ડુમસ પોલીસ પીઆઈ) એ જણાવ્યું હતું કે સ્તજડ પર ગયા બાદ પ્રાણીઓની દયાનીય હાલત જોઈ આશ્ચર્ય થયો હતો. તાત્કાલિક પ્રયાસ અને જીવદયા સંસ્થાને બોલાવી ઇજાગ્રસ્ત પ્રાણીઓની સારવાર કરાવી હતી. દરમ્યાન 8 જેટલા ઊંટ અને ઘોડાઓને ઈજાગ્રસ્ત હાલતમાં રાખી આવક રડતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની ટીમે તાત્કાલિક પ્રાણીઓના માલિકોને બોલાવી પુરતી તકેદારી રાખવા કડક સુચના આપી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીને બીચ પર આવતા લોકોએ બિરદાવી હતી.
ડુમસ પોલીસ મથકના પીઆઈ અંકિત સોમૈયાએ જણાવ્યું હતું કે મનુષ્ય ની જેમ આવક રળી આપતા પ્રાણીઓ ની તકેદારી રાખવી એ પણ એક જવાબદરી છે. હવે પછી આવો કોઈ પણ કિસ્સો સામે આવશે તો કાયદેસરના પગલાં ભરાશે એવી સૂચના પણ આપી દેવાય છે.