નવસારી: ગણદેવી મોહનપુર (Mohanpur) ગામ પાસે ચાલુ ટ્રેનમાંથી (Train) પડી જતા સુરતના (Surat) વૃદ્ધનું મોત (Death) નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, સુરત અડાજણ જય અંબે રોડ મકનજી પાર્ક સમેત શિખર એપાર્ટમેન્ટમાં નરપતભાઈ સગથમલ શાહ (ઉ. વ. 71) તેમના પરિવાર સાથે રહેતા હતા. નરપતભાઈ છેલ્લા 2 વર્ષથી અસ્થિર મગજના થઇ ગયા હતા. ગત 26મીએ નરપતભાઈ તેમના ઘરેથી જૈન દેરાસર મંદિરે જવાનું કહી નીકળ્યા હતા. અને નરપતભાઈ સુરતથી મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયા હતા. દરમિયાન ગણદેવી તાલુકાના મોહનપુર ગામેથી ટ્રેન પસાર થતી વખતે રેલ્વે ટ્રેક ઉપર ફાટક નં. 116 પાસે નરપતભાઈ ચાલુ ટ્રેનમાંથી પડી ગયા હતા. જેના પગલે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ગણદેવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હે.કો. રામુભાઈને સોંપી છે.
અમલસાડ નજીક ચાલુ ટ્રેનમાંથી પટકાયેલા જૈન વૃદ્ધનું મોત
બીલીમોરા : અમલસાડ નજીક મોહનપુર ગામની સીમમાં ચાલુ ટ્રેનમાંથી પટકાયેલા સુરતના જૈન વૃદ્ધનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. સુરત અડાજણ સ્થિત સમેત શિખર એપાર્ટમેન્ટમાં રહેતા નરપતભાઈ સગથમલ શાહ (૭૧) બે વર્ષથી માનસિક અસ્વસ્થ હતા. દરમિયાન શનિવાર સાંજે દેરાસર જવાનું કહી ઘરેથી નીકળ્યાં હતા. જે બાદ મુંબઇ તરફ જતી કોઈક ટ્રેનમાં બેસી ગયા હતા. અને અમલસાડ નજીક મોહનપુર ગામની સીમમાં ફાટક નં.116 પાસે મધ્યરાત્રિએ પડી ગયા હતા. ધસમસતી ટ્રેનમાંથી પટકાતા ઇજાઓને કારણે ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જે અંગે ટ્રેનના ગાર્ડે અમલસાડ સ્ટેશને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. અને મૃતકને અમલસાડ સ્ટેશન લાવી ઓળખના પ્રયાસ હાથ ધર્યા હતા. દરમિયાન મૃતક પાસેથી મળેલી દવાખાનાની ફાઇલમાં નોંધાયેલા નંબર આધારે ઓળખ થઈ હતી. અને પરીવાર અમલસાડ ધસી આવ્યો હતો. મૃતકના પુત્રની ફરીયાદ આધારે અકસ્માત મોત નોંધી ગણદેવી પોલીસે તપાસ હાથ ધરી હતી.