National

રાજસ્થાનમાં હિંસા વચ્ચે પોલીસ કોન્સ્ટેબલની બહાદુરી, આગમાં ફસાયેલા બાળકનો જીવ બચાવ્યો

કરૌલી: રાજસ્થાન(Rajasthan)નાં કરૌલી શહેરમાં શનિવારના રોજ હિંદુ નવા વર્ષ નિમિત્તે નીકળેલી બાઇક રેલી(bike rally)માં પથ્થરમારો(Stoned) કરવામાં આવ્યો હતો. આ બાદ ત્યાં હિંસા(Violence) ભડકી ઉઠી હતી. અસામાજિક તત્વોએ એક ડઝનથી વધુ દુકાનો અને ત્રણ બાઇકને આગ ચાંપી દીધી હતી. ઘટના બાદ ફેલાયેલી તંગદિલીને લઇ સમગ્ર શહેરમાં કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને રોકવા માટે વહીવટીતંત્રે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી હતી.

આ હિંસામાં કોતવાલી પોલીસ સ્ટેશનનાં અધિકારી સહિત 4 પોલીસકર્મી ઘાયલ થયા હતા. જેથી ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક યુવક ગંભીર ઘાયલ થયો હતો જેને જયપુર રેફર કરવામાં આવ્યો હતો. જ્યારે 10 ઘાયલોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ડીજી પોલીસ સાથે વાત કરી હતી અને ઘટના અંગે પૂછપરછ કરી હતી. તેમજ શહેરમાં શાંતિ ભંગ કરનાર અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા પણ પોલીસને આદેશ આપ્યો છે. ગેહલોતે લોકોને શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે.

માર્કેટમાં ખરીદી કરવા ગયેલી મહિલાઓ આગમાં ફસાઈ
હિંસાની આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલની સરાહનીય કામગીરી સામે આવી છે. પથ્થરમારાની ઘટના બાદ અસમાજિક તત્વોએ દુકાનમાં આગ લગાડી દીધી હતી. જેથી માર્કેટમાં ખરીદી કરવા ગયેલી બે મહિલા પોતાનો જીવ બચવવા માટે આમતેમ ભાગતા નજીકમાં આવેલા એક મકાનમાં સંતાઈ ગઈ હતી. પરંતુ મકાન પણ આગને ઝપેટમાં આવી ગયું હતું. મકાનમાં ચારેબાજુ આગ જોતા મહિલાઓ ભયભીત થઇ ગઈ. આ મહિલા સાથે એક બાળક પણ હતું. આગને જોઈ બાળક પણ રડવા લાગ્યું હતું. મહિલાઓએ બાળકનો જીવ બચાવવા માટે બુમાબુમ કરી દીધી હતી.

બાળકને કપડામાં ઢાંકી કોન્સ્ટેબલ ભાગ્યો
હિંસામાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહેલા કરૌલી પોલીસ ચોકીનાં કોન્સ્ટેબલ નેત્રેશ શર્માએ મહિલાઓ અને બાળકોનો અવાજ સાંભળ્યો. કોન્સ્ટેબલે પોતાનો જીવ જોખમમાં મુકીને આગની જ્વાળા વચ્ચે મકાનમાં ઘુસી ગયો હતો. અને બાળકને એક કપડામાં ઢાંકી દીધો હતો. ત્યારબાદ મહિલાઓને કહ્યું, હું બાળકને તેડીને બહાર ભાગું છું, તમે પણ મારી પાછળ દોડજો. આ બોલી કોન્સ્ટેબલ મકાનની બહાર ભાગ્યો અને તેની પાછળ બંને મહિલાઓ પણ ભાગી ગઈ. આમ ત્રણેયનો જીવ બચી ગયો હતો,

‘ હું બાળકને તેડીને બહાર ભાગું છું, તમે પણ મારી પાછળ દોડજો’
કરૌલી પોલીસ ચોકીનાં કોન્સ્ટેબલ નેત્રેશ શર્માએ જણાવ્યું હતું કે બાઈક રેલી પર પથ્થરમારો અને દુકાનોમાં આગ લાગ્યા બાદ માર્કેટમાં અફરાતફરી મચી ગઈ હતી. જ્યાં જુઓ ત્યાં ચારેબાજુ આગ અને ધુમાડો જ દેખાતો હતો. આ સમયે હું ફૂટાકોટ પર પોલીસ પાર્ટી સાથે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન ફૂટાકોટ પર બે બંગડીની દુકાન પણ સળગતી હતી. જેમાં દુકાનની બાજુનું એક મકાન પણ આગની જ્વાળામાં સળગી રહ્યું હતું. જેમાંથી બે મહિલા અને એક બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો.

મહિલા બૂમો પાડી રહી હતી કે કોઈ મારા બાળકને બચાવો. આ સાંભળતાં જ હું તે તરફ ભાગ્યો અને ત્યાં જઈને જોયું કે મહિલાઓ આગની જ્વાળા વચ્ચે સપડાઈ ગઈ હતી. જેથી તેઓને બચાવવા મકાનની અંદર પહોંચ્યો અને બાળકને એક કપડામાં ઢાંકી દીધો. મહિલાઓને કહ્યું, હું બાળકને તેડીને બહાર ભાગું છું, તમે પણ મારી પાછળ દોડજો. બાળકને તેડીને હું ઝડપથી આગની જ્વાળા વચ્ચે બહાર ભાગ્યો. મારી પાછળ-પાછળ બંને મહિલા પણ દોડી જેથી આ તમામ ત્રણ લોકોના જીવ બચી ગયા હતા. ત્યારબાદ મેં તેમને મકાનથી થોડી દૂર સુરક્ષિત જગ્યાએ છોડી દીધાં હતા.

રાજસ્થાન પોલીસે કરી પ્રશંસા
પોતાનો અને બાળકનો જીવ બચી જતા મહિલાઓએ કોન્સ્ટેબલનો ખુબ આભાર માન્યો હતો. કોન્સ્ટેબલ નેત્રેશ શર્માની આ બહાદુરીની સોશિયલ મીડિયામાં પ્રશંસા થઇ રહી છે. રાજસ્થાન પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી બે મહિલા અને બાળકનો જીવ બચાવનાર કોન્સ્ટેબલ નેત્રેશ શર્માનો ફોટો શેર કરીને તેની હિંમતને સલામ કર્યા છે.

Most Popular

To Top