પોલીસના ફકત પાર્કિગ માટેના સૂચન પર બે ભાઈઓએ પોલીસને અપશબ્દો કહી ઘકકો મારી દીધો

વડોદરા(Vadodra): ગઈ કાલે મોડી સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) વડોદરાની મુલાકાતે હતા તે દરમિયાન તેમના બંદોબસ્તમાં ફતેગંજ ખાતે ઉભેલા એક પોલીસકર્મીને (Police) કારમાં (Car) બેઠેલા બે ભાઇઓએ હુમલો કરતા ફરિયાદ (Complaint) દાખલ કરવામાં આવી છે.
ગઇકાલે વડોદરાના ધારાસભ્ય સીમા મોહિલેની દીકરીના લગ્ન હોવાથી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ હોવાથી તેઓ વડોદરા આવ્યા હતાં. મુખ્યમંત્રી આવવાના હોવાથી વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી ફતેગંજ અંજલી મોમોરિયલ હોસ્પિટલ પાસે નીતિનભાઇ અરવિંદભાઇ નામના પોલીસકર્મી ફરજ પર હતા. દરમિયાન કાર નંબર GJ-27-EA-7799 કાર રોડ પર ઉભી હતી. જેથી પોલીસકર્મી નીતિનભાઇએ કાર ચાલકને પાર્કિંગની જગ્યામાં કાર પાર્ક કરવા જણાવ્યું હતું.

પોલીસકર્મીની ફકત આટલી વાતથી જ કારમાં બેઠેલા બે ભાઇઓ શિવમસિંહ હરદેવસિંહ અને રોહિતસિંહ હરદેવસિંહ ઉશ્કેરાઇ ગયા અને પોલીસકર્મીને કહ્યું કે, તારાથી થાય તે કરી લે અમારી ગાડી અહીંથી હટશે નહીં. બંને ભાઇએ પોલીસકર્મીને અપશબ્દો કહ્યા હતા તેમજ ધક્કો મારીને નીચે પાડી દેતા હાથે અને ચહેરાના ભાગે ઇજાઓ થઇ હતી. ઝઘડાને પગલે અન્ય પોલીસકર્મી પણ દોડી આવ્યા હતા અને બંને આરોપીઓને ઝડપી લીધા હતાં. પોલીસે બંને સામે IPCની કલમો 332, 294 (b), 186 અને 114 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top